હરિયાણાના સોનીપતમાં એક ક્રિકેટ કોચની ગોળી મારીને હત્યા કરવામાં આવી
(એજન્સી)રોહતક, હરિયાણાના સોનીપત જિલ્લામાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્રિકેટ કોચની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલો જૂના વેરને કારણે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટના સોનીપત શહેરના વ્યસ્ત વિસ્તારમાં બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે.
મૃતકની ઓળખ વનીત તરીકે થઈ છે, જે સ્થાનિક સ્તરે યુવાનોને ક્રિકેટની તાલીમ આપતા હતા. કહેવાય છે કે થોડા દિવસો પહેલા થયેલા સ્થાનીક ચુંટણી દરમિયાન તેમનો કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો, જેના કારણે તણાવ ચાલતો હતો.
મંગળવારે સવારે જ્યારે વનીત પોતાના ઘરેથી ક્રિકેટ એકેડમી તરફ જઈ રહ્યા હતા, ત્યારે બે બાઈકસવાર અજાણ્યા હુમલાખોરોએ તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ કેસ રાજકીય અને વ્યક્તિગત ષડયંત્ર સાથે જોડાયેલો લાગે છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહી છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વનીતને અગાઉથી ધમકીઓ મળી રહી હતી, પરંતુ પોલીસએ સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરી નહોતી.
ઘટનાએ સ્થાનિક સમાજ અને રમતજગતમાં આક્રોશ ફેલાવ્યો છે. તે દરમ્યાન મુખ્યમંત્રી નાયક નાયબ સૈનીએ ઘટનાપર દુઃખ વ્યક્ત કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. પોલીસે વિશ્વાસ આપ્યો છે કે આરોપીઓને જલદી જ પકડવામાં આવશે.
