મોટાભાગની માગણીઓ સ્વીકારાતા રેશનિંગ દુકાનદારોની હડતાલ સમેટાઇ
કમિશન ૩૦ હજાર કરવા પુરવઠા વિભાગ દરખાસ્ત કરશે
રાજ્યભરમાં રેશનિંગની ૧૭ હજાર દુકાનોમાં ૨૦ મુદ્દાઓની સરકાર સમક્ષ રજૂઆત કરીને ૧ નવેમ્બરથી હડતાલ શરૂ કરવામાં આવી હતી
ગાંધીનગર, નવેમ્બરના પ્રારંભથી શરૂ થયેલી રેશનિંગના દુકાનદારોની હડતાલ સરકાર સાથે યોજાયેલી બેઠક બાદ સમાધાન થતા છેવટે સમેટાઇ લેવામાં આવી છે. સરકાર દ્વારા રેશનિંગ એસોસિએશનના દુકાનદારોના સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પડતર પ્રશ્નોમાંથી મોટાભાગના સ્વીકારી લેવાયા છે જ્યારે દુકાનદારોનું કમિશન ૨૦ હજાર રૂપિયાથી વધારીને ૩૦ હજાર કરવા બાબતે પુરવઠા વિભાગ નાણા વિભાગને ૧૫ દિવસમાં દરખાસ્ત કરશે તેવી હૈયાધારણ અપાઇ છે.
રાજ્યભરમાં રેશનિંગની ૧૭ હજાર દુકાનોમાં ૨૦ મુદ્દાઓની સરકાર સમક્ષ રજૂઆત કરીને ૧ નવેમ્બરથી હડતાલ શરૂ કરવામાં આવી હતી. જેમાં પુરવઠા વિભાગના દુકાનદારોના અનાજ વિતરણ માટેના સર્વેમાં વારંવાર ટેકનીકલ ખામીઓ, અનાજની ઘટનો પ્રશ્ન અને કમિશન વધારવાની મુખ્ય માગણી હતી. પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એસોસિએશનના પદાધિકારીઓની મીટીંગ બાદ સરકારે આઠ જેટલી માગણી સ્વીકારી લીધી હતી પરંતુ તેનો સ્વીકાર કર્યાની માહિતી લેખિતમાં ન અપાતા હડતાલ યથાવત રહી હતી.
મંગળવારે નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને પુરવઠા નિયામક મયૂર મહેતાની ઉપસ્થિતિમાં સચિવાલય ખાતે ફરી લાંબી બેઠક યોજાયા બાદ ૧૦૦ કિલો સામે અત્યાર સુધી ૧૫૦ રૂપિયા મળતા હતા તે હવે ૩૦૦ રૂપિયા મળશે અને ૩૦ હજાર રૂપિયા સુધી કમિશન અપાશે તેવી હૈયાધારણ આપ્યા બાદ છેવટે હડતાલ સમેટી લેવામાં આવી હતી. તે સાથે પુરવઠા તંત્ર દ્વારા એસોસિએશનની માગણીઓનો હકારાત્મક પ્રતિભાવ અપાયો છે.
અનાજનો જથ્થો યોગ્ય વજન પ્રમાણે છે કે નહીં તે માટે દુકાનદારોને પહેલા બાયોમેટ્રિક પધ્ધતિમાં તકેદારી સભ્યોના ૮ સભ્યોની સહી લેવી પડતી હતી તેના બદલે બે સભ્યોની સહીથી જથ્થો લીધા બાદ દુકાનદારો તેમનું ચલણ જનરેટ કરી શકશે તેને પણ મંજૂરી અપાઇ છે. તે સહિત અન્ય પ્રશ્નો પણ સ્વીકારી લેવાયા છે. તેના કારણે બુધવારથી રાબેતા મુજબ અનાજ વિતરણ ચાલુ કરી દેવામાં આવશે.
જો કે અગાઉ દુકાનદારોએ સરકારની સતત અપીલ છતાં જથ્થો ન ઉપાડતા ગ્રાહકોને મહિનાના પ્રારંભે જે અનાજના જથ્થાથી વંચિત રહેવું પડ્યું હતું. તેના કારણે સરકારે ખાસ કરીને તાલુકા-જિલ્લા સ્તરે સહકારી મંડળીઓને તાકીદે વિતરણ વ્યવસ્થા શરૂ કરવા માટે લેખિતમાં આદેશ આપ્યા હતા.ss1
