વેપારીને ગોલ્ડમાં રોકાણ કરાવવાનું કહીને ઠગ ટોળકીએ ૫.૬૮ કરોડની ઠગાઈ આચરી
પોલીસે ૫ ઠગ વેપારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભોગ બનેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરીશ તેમ કહેતા આરોપીઓએ અમુક રકમ પરત આપી
અમદાવાદ, શહેરમાં રહેતા અને એગ્રીકલ્ચરનો વેપાર કરતા વેપારી સાથે કેટલાક લોકોએ ઠગાઇ આચરી છે. વેપારીને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહીને શખ્સોએ પ્રપોઝલ પ્રોજેક્ટ બતાવીને વેપારી પાસે રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ ૭.૮૮ કરોડનું રોકાણ કરાવીને વેપારી સાથે ઠગાઇ કરવાની કોશિશ કરી હતી. જોકે, વેપારીને નફો કે રકમ પરત ન મળતા તેમણે પોલીસ ફરિયાદની ધમકી આપતા આરોપીઓએ કેટલીક રકમ પરત કરીને ૫.૬૮ કરોડ ન આપીને છેતરપિંડી આચરી હતી.
નવરંગપુરા પોલીસે ૫ ઠગ વેપારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા રુચિત મહેતા એગ્રીકલ્ચરનો વેપાર કરે છે. રુચિતભાઈને એગ્રીકલ્ચર સિવાય બીજો ધંધો પણ શરૂ કરવાનો હોવાથી તેમણે તેમના એકાઉન્ટન્ટ આકાશ સોનીને વાત કરી હતી. આકાશ સોનીએ તેમના ઓળખીતા ધર્મેન્દ્ર પરાંતે સાથે રૂચિતભાઇનો સંપર્ક કરાવી આપ્યો હતો. ધર્મેન્દ્રએ રુચિતભાઈને જણાવ્યું હતું કે ગોલ્ડ લે વેચમાં ખૂબ જ પ્રોફિટ છે તેમાં રોકાણ કરી શકાય. જે બાદ ધર્મેન્દ્રએ આ કામનો માસ્ટર રાહુલ ગુપ્તા હોવાનું કહીને તેની સાથે રાહુલ સાથે મુલાકાત કરી હતી.
ધર્મેન્દ્રની વાતોમાં આવીને રુચિતભાઈએ બેંક એકાઉન્ટ મારફતે રૂ. ૨.૯૫ કરોડ રાહુલ ગુપ્તાની ફર્મના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. રુચિતભાઈએ મિત્ર વર્તુળના લોકો પાસેથી પણ નાણાં ભેગા કરીને અન્ય રૂ. ૪.૯૨ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ગોલ્ડનો રેટ વધશે ત્યારે ટ્રેડિંગ કરીને પ્રોફિટ સાથેની રકમ પરત આપશે તેવો વાયદો કર્યાે હતો. થોડા દિવસો સુધી રોકાણ કે નફાની રકમ બાબતે કોઇ વાત ન થતાં રુચિતભાઈએ ધર્મેન્દ્રનો સંપર્ક કર્યાે હતો. ત્યારે ધર્મેન્દ્રએ રાહુલ ક્યાંક બહાર જતો રહ્યો છે અને તેનો ફોન પણ લાગતો નથી તેવા બહાના બતાવ્યા હતા.
થોડા સમય બાદ રાહુલે રુચિતભાઇ પાસે આવીને રોકાણના નાણાં ખર્ચી નાખ્યા હોવાનું કહેતા રૂચિતભાઇએ પોલીસ ફરિયાદનું કહ્યું હતું. જેથી રાહુલ ગુપ્તાએ તેના ઓળખીતા અશ્લેષ પાસે રૂચિતભાઈને લઈ જઇને ટુકડે ટુકડે રોકાણ માટે આપેલી રકમ પરત આપવાનું જણાવ્યું હતું. જે બાદ રાહુલ ગુપ્તાએ આંગડિયામાંથી ૧.૭૦ કરોડની રકમ રુચિતભાઈને આપી દીધી હતી. આ ઉપરાંત ૫૦ લાખની દુકાન પણ આપી હતી. બાકીના રૂ. ૫.૬૮ કરોડ પરત ન આપતા મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. આ મામલે નવરંગપુરા પોલીસે ધર્મેન્દ્ર પરાંતે, રાહુલ ગુપ્તા, વિકાસ પંચાલ, ભાગ્યેશ અને દિપુ ચોક્સી સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1
