તાઈવાન યુનિવર્સિટીના સંશોધકોએ ફક્ત ૨૦ દિવસમાં જ વાળ ઉગાડી શકે તેવું સીરમ વિકસાવ્યું !!
ટાલની સમસ્યાનો સામનો કરતા કરોડો લોકો માટે આશાનું કિરણ
ઈજા અથવા ખંજવાળ પછી ત્વચાની વાળ ઉગાડવાની કુદરતી ક્ષમતાના આધારે સીરમની રચના કરાઈ
અમદાવાદ, એક અભૂતપૂર્વ મેડિકલ સંશોધનમાં નેશનલ તાઈવાન યુનિવર્સિટી (એનટીયુ)ના સંશોધકોએ કુદરતી ફેટી એસિડમાંથી બનેલું એક રબ-ઓન સીરમ વિકસીત કર્યું છે જે માત્ર વીસ દિવસમાં વાળની વૃદ્ધિ પુનઃસ્થાપિત કરે છે. આ નવીન રચનાએ પ્રયોગશાળાના પ્રયોગો અને પ્રારંભિક સ્વ-પરિક્ષણોમાં નોંધપાત્ર પરિણામ દેખાડયા છે, જે સમગ્ર વિશ્વમાં વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહેલા કરોડો લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે.
શરીરની કુદરતી ઉપચાર પ્રતિક્રિયાથી પ્રેરિત સીરમની વિશિષ્ટ યંત્રણા વાળના ફોલિકલ્સને સુરક્ષિત અને અસરકારક રીતે પુનર્જીવિત કરવા ત્વચામાં રહેલા ચરબીની કોષોને ઉત્તેજિત કરે છે.પ્રોફેસર સુંગ-ઝાન લિનની આગેવાની હેઠળની ટીમે ત્વચાની નજીવી ખંજવાળ અથવા ઈજા પછી વાળને ફરી ઉગાડવાની શરીરની હાઈપરટ્રાઈકોસિસ તરીકે ઓળખાતી જન્મજાત ક્ષમતાના આધારે સીરમની રચના કરી છે. લિને નિરીક્ષણ કર્યું કે નાની ઈજા અથવા સોજા પછી ચરબીના કોષો સક્રિય થઈ જાય છે જે નવા વાળના વિકાસને પ્રોત્સાહિત કરે છે.
માનવીય પેશી અને વનસ્પતિના તેલમાં મળી આવતા ઓલેઈક એસિડ તેમજ પામિટોલિક એસિડમાં સહજ રીતે મળતા ફેટી એસિડનો ઉપયોગ કરીને ટીમે ત્વચામાં બળતરા અથવા ક્ષતિ ઉત્પન્ન કર્યા વિના આ જૈવિક પ્રભાવ દોહરાવ્યો હતો.પ્રોફેસરના વ્યક્તિગત સ્વ-પ્રયોગે શોધને વધુ માન્ય કરી. તેમણે ત્રણ અઠવાડિયા સુધી પોતાના સાથળ પર ફેટી એસિડનું મિશ્રણ લગાડયા પછી ત્યાં વાળ ઉગતા જોયા, જેનાથી સીરમની ક્ષમતા સાબિત થઈ. પ્રાણી પરના પૂરક અભ્યાસોમાં પણ સમાન પરિણામ જોવા મળ્યા.
તેમણે એક ઉત્તેજક પદાર્થ સોડિયમ ડોડેસિલ સલ્ફેટ (એસડીએસ) વાળ વિનાના ઉંદરો પર લગાડયું, તો તેનાથી ઉંદરોની ત્વચા પર ખંજવાળ અને સોજો થયો અને પછી દસથી અગિયાર દિવસમાં ફરી વાળ ઉગવાની શરૂઆત થઈ. આ નિષ્કર્ષના આધારે લિનની ટીમે સિન્થેટીક કેમિકલ્સના સ્થાને કુદરતી રૂપથી મળતા ફેટી એસિડનો ઉપયોગ કરીને બળતરા અથવા કોઈપણ આડઅસર વિના સમાન પરિણામ પ્રાપ્ત કરી શકાય તેવું સીરમ તૈયાર કર્યું.પ્રતિષ્ઠિત જર્નલ ‘સેલ મેટાબોલિઝમ‘માં પ્રકાશિત આ અભ્યાસને ફેટી સેલના સક્રિયણને વાળના ફોલિકલ્સ પુનર્જીવિત કરવા સાથે સાંકળી લેવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે અને તેને રિજનરેટીવ ત્વચા વિજ્ઞાનમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે ગણવામાં આવ્યું છે.
હોર્માેનલ અથવા કેમિકલ્સ ઉત્તેજના પર આધારીત પારંપરિક વાળ વૃદ્ધિ ઉપચારોથી વિપરીત એનટીયુ સીરમ વાળના કુદરતી પુનર્વિકાસને પ્રોત્સાહિત કરવા માટે શરીરના પોતાના રસાયણોનો ઉપયોગ કરે છે જેનાથી તે સુરક્ષિત, ત્વચા માટે અનુકૂળ અને સંભવિતપણે સરળ રીતે મળતું થઈ જશે.ફોર્મ્યુલેશન માટે પેટન્ટ હાંસલ કર્યા પછી એનટીયુ સંશોધકોની ટીમ હવે નિયામક મંજૂરી અગાઉ યોગ્ય ડોઝ અને લાંબાગાળાની સલામતી સુનિશ્ચિત કરવા માનવીય પ્રયોગો માટે તૈયારી કરી રહી છે. વધુ અભ્યાસની જરૂર હોવાની નિષ્ણાંતોની ચેતવણી છતાં આ શોધ ખરતા વાળની સમસ્યા માટે એક સરળ, સસ્તા અને કુદરતી ઉકેલની દિશામાં એક આશાસ્પદ છલાંગનું પ્રતીક છે તેમજ રિજનરેટીવ વિજ્ઞાનમાં એક નવા યુગનો સંકેત છે.
