Western Times News

Gujarati News

કાશ્મીરમાં હિમવર્ષાઃ ગુલમર્ગ, સોનમર્ગ, જેવા સ્થળો હિમવર્ષાથી સફેદ ચાદરમાં ઢંકાયા

File

શ્રીનગર,તા.૦૫: કાશ્‍મીર ખીણના ઉપરના ભાગોમાં હિમવર્ષા અને મંગળવારે સાંજે મેદાની વિસ્‍તારોમાં છૂટાછવાયા વરસાદથી હવામાનમાં પલટો આવ્‍યો અને તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો. હવામાનમાં અચાનક ફેરફારથી ખીણમાં ઠંડીમાં વધારો થયો છે.

🏔️ કાશ્મીરમાં હિમવર્ષા અને ઠંડીમાં વધારો

  • હિમવર્ષા અને વરસાદ: કાશ્મીર ખીણના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે.
  • પ્રખ્યાત સ્થળો પર હિમવર્ષા: ગુલમર્ગ, સોનમર્ગ, દૂધપથરી અને યુસમર્ગ જેવા સ્થળો હિમવર્ષાથી સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
  • પ્રવાસન ક્ષેત્રમાં આશા: પહલગામ હુમલા પછી પ્રવાસન ઉદ્યોગને નુકસાન થયું હતું, પરંતુ હિમવર્ષા ફરીથી પ્રવાસીઓને આકર્ષી શકે છે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
  • હવામાન વિભાગની આગાહી: બુધવાર સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, અને તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
  • સ્થાનિક અસર: શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધી છે, બજારમાં ગરમ કપડાં અને હીટરની માંગ વધી છે.
  • શિયાળાની શરૂઆતનો સંકેત: તાજી હિમવર્ષા અને વરસાદથી ખીણમાં શિયાળાની ઋતુનો આગમન અનુભવાયો છે.

સોનમર્ગ, ગુલમર્ગ, દૂધપથરી અને યુસમર્ગના પહાડી વિસ્‍તારોમાં મોડી સાંજે હિમવર્ષા શરૂ થઈ, જેનાથી આ સુંદર ખીણો સફેદ ચાદરમાં ઢંકાઈ ગઈ. હિમવર્ષા જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશીની લહેર ફેલાઈ ગઈ. પ્રવાસીઓએ જણાવ્‍યું હતું કે હિમવર્ષાથી કાશ્‍મીરમાં હવામાં તાજગી આવી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે સાધના પાસ અને નિયંત્રણ રેખા (LoC) નજીકના વિસ્‍તારોમાં પણ કુપવાડાના ઊંચાઈવાળા વિસ્‍તારોમાં બરફવર્ષા થઈ હતી.

હોટલ માલિક નિયાઝ અહેમદે જણાવ્‍યું હતું કે, પહલગામ હુમલા પછી પ્રવાસન ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. હોટલો ખાલી હતી અને બુકિગ રદ કરવામાં આવ્‍યા હતા, પરંતુ અમને આશા છે કે આ હિમવર્ષાથી પરિસ્‍થિતિમાં સુધારો થશે અને મોટી સંખ્‍યામાં સ્‍થાનિક અને વિદેશી પ્રવાસીઓ કાશ્‍મીર પાછા ફરશે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે બુધવાર સવાર સુધી ખીણમાં વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેવાની શક્‍યતા છે.

તેમણે કહ્યું હતું કે તાજી હિમવર્ષાથી ગુલમર્ગ, સોનમર્ગ અને અન્‍ય પ્રવાસન સ્‍થળો બરફના હળવા સ્‍તરથી ઢંકાઈ ગયા છે, જ્‍યારે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. દરમિયાન, શ્રીનગર, બારામુલ્‍લા, બડગામ અને અનંતનાગ સહિતના મેદાની વિસ્‍તારોમાં સાંજે વરસાદ શરૂ થયો હતો, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી.

બજારોમાં ગરમ કપડાં, હીટર અને કોલસાની માંગમાં વધારો થયો છે. સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા કેટલાક અઠવાડિયાથી હવામાન શુષ્‍ક અને કંઈક અંશે ખુશનુમા હતું, પરંતુ તાજી હિમવર્ષા અને વરસાદથી ખીણમાં શિયાળાના નિયમિત આગમનનો અહેસાસ થયો છે.

પ્રવાસન વિભાગના એક અધિકારીએ આશા વ્‍યક્‍ત કરી હતી કે હિમવર્ષા પ્રવાસન પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરશે. તેમણે કહ્યું કે શિયાળાની પહેલી હિમવર્ષા હંમેશા ખીણ માટે શુભ માનવામાં આવે છે, કારણ કે તે કાશ્‍મીરના કુદરતી સૌંદર્યમાં એક નવું પરિમાણ ઉમેરે છે અને પ્રવાસીઓને આકર્ષે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.