Western Times News

Gujarati News

નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો અમદાવાદમાં ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ ભાગ લેશે

File Photo

એએમસી અને એસએએજીના સહયોગથી -સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ૧૩ નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીએકવાર સ્વાદપ્રેમીઓ માટે એક અનોખો અને સ્મરણિય અનુભવ લાવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ૧૩ નવેમ્બરથી ૧૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતાં ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે.

‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ માત્ર ફૂડ ફેસ્ટિવલ નથી પણ વિચાર અને સ્વાદનો મેળાવડો છે. ફૂડ ફોર થોટ ફેસ્ટ અવનવી વાનગીઓના શોખીનો અને મનોરંજન પ્રેમીઓને એકસમાન આનંદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષના ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોની ભાગીદારી રહેશે, જે આ ફૂડ ફેસ્ટિવલને આંતરરાષ્ટ્રીય રંગ આપશે.

ફૂડ ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ ઉપરાંત માસ્ટર શેફ સાથે નવી વાનગીઓની શોધ તથા સમગ્ર પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ કરાવતા માહિતીસભર મનોરંજનની મજા માણવા મળશે. આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં જાણિતા ફૂડ ક્રિટિક અને લેખિકા રશ્મિ ઉદય શીંઘ, સુપ્રસિદ્ધ શેફ અભિજિત સાહા અને ગૌતમ મહર્ષિ, નેપાળની લેખિકા રોહિણી રાણા, પદ્મશ્રી ડૉ.પુષ્પેશ પંત ઉપસ્થિત રહેશે.

સાઉથ એશિયાના માસ્ટર શેફ્‌સ દ્વારા લાઇવ કૂકિંગ વર્કશોપ્સ અને ફૂડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘અ ટેસ્ટ ઓફ લક્ઝરી’ અને ‘ધ રિજનલ ફ્‌લેવર’ એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમા લક્ઝરી હોટેલ્સ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવશે,

જ્યારે ધ રિજનલ ફ્‌લેવરમાં વિવિધ રિજનલ ફ્‌લેવરર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામાં આવશે. ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવિલિયન્સ પણ તૈયાર કરવામાં આવશે. લક્ઝરી પેવિલિયનમાં પ્રતિષ્ઠિત હોટેલ્સ દ્વારા તેમની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.

સ્પિરિચ્યુઅલ પેવિલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતા “ભોગ પ્રસાદ” સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે. જ્યારે કોફી પેવિલિયનમાં લાઈવ કોફી , રોસ્ટિંગ, બ્રૂઇંગ અને વર્કશોપ્સ સાથે કોફી પ્રેમીઓ માટે શૈક્ષણિક અને મનોરંજક માહિતીઓની આપ-લે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી, જેણે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે આ ફેસ્ટિવલ સફળતાપૂર્વક આયોજીત કરીને દક્ષિણ એશિયાના ખાદ્ય અને સંસ્કૃતિ ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે.

‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક અનોખો મંચ છે. આ ફેસ્ટિવલ માત્ર સ્વાદ જ નહીં, પણ વિચારો, સંસ્કૃતિ અને જોડાણનો ઉત્સવ પણ બનશે. આ ફૂડ ફેસ્ટિવલ હવે અમદાવાદના સ્વાદપ્રેમીઓ માટે એક સ્મરણિય અનુભવ બની રહેવાનો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.