Western Times News

Gujarati News

સાર્ધ શતાબ્દી વર્ષ નિમિત્તે વંદે ભારતમ્ ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટી કોટી વંદન…

  • ભૂપેન્દ્રભાઈ પટેલ (લેખક ગુજરાતના મુખ્યમંત્રી છે.)

આપણે દેશભક્તિના અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ. આઝાદી પહેલાં જે દેશભક્તિનો માહોલ હતો એવો દેશભક્તિનો માહોલ આપણા દેશભક્ત વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ દ્વારા શરૂ કરાયેલ ‘આત્મનિર્ભર ભારત’અને ‘રાષ્ટ્ર પ્રથમ’ જેવા નૂતન અભિયાનની પ્રેરણાથી સર્જાઇ રહ્યો છે.

આજે વધુ એક દેશભક્તિનું સ્મરણપર્વ ઉજવવાની ઘડી છે.‌ ઇ.સ. ૧૮૭૫માં લખાયેલું આપણું વંદે માતરમ્ ગીત ૧૫૦ વર્ષ પૂરા કરી રહ્યું છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું, પણ આ ગીતે દેશની ચેતનાને જગાવી એના આ સુદીર્ઘ ગાયનકાળમાં જાણે કે રાષ્ટ્રભક્તિના પ્રાણવાયુ જેવી ઊર્જા ઉત્પન્ન કરી.

આ ગીતમાં  રહેલી ઉદ્દાત્ત દેશભક્તિ અને ઊર્જા સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોમવંતી બની રહી. ઇતિહાસકારોનું માનવું છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે સ્વદેશી ચળવળ હોય, કે પછી સત્યાગ્રહની તૈયારીઓ હોય, વંદે માતરમ્ ગવાય એટલે દેશભક્તિનું ઊર્જાવાન વાતાવરણ રચાઈ જતું. આઝાદીની ચળવળ દરમિયાન પણ અનેક નેતાઓ આ ગીતની એક એક પંક્તિને ચરિતાર્થ કરવા માટે પોતાનું જીવન ખપાવી રહ્યા હતા. મહર્ષિ અરવિંદ હોય કે ભગતસિંહ, સૌ દેશભક્તો આ ગીતના ગુંજનમાં પોતાના જીવનની સાર્થકતા જોતા હતા.

આ રાષ્ટ્રીય ગીતની મહાનતા એ છે કે, એ આજે પણ એટલું જ પ્રસ્તુત અને તાજગીભર્યું છે. આધુનિક યુગના લોકનાયક આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે કોઈ સભાને સંબોધવાના હોય ત્યારે શરૂઆતમાં વંદે માતરમ્ નો જયઘોષ કરાવે , ત્યારે જાણે કે સમગ્ર સભામાં દેશભક્તિનું એક મોજું ફરી વળે છે.

આ ગીત ભારતીયતાની ભાવનાને રજૂ કરે છે, આ દેશની સુજલામ્ સુફલામ્ ધરતી અને ભારત માતા પ્રત્યેની ભક્તિ દરેક શબ્દમાંથી નીતરે છે.‌ જ્યારે વંદે માતરમ્ ગીત સાંભળીએ ત્યારે માતૃભક્તિનો અને ભારત માતાની આરાધના કરતા હોઈએ એવો ભાવ ઊભો થાય છે. આ ગીતનાં શૌર્ય અને પરાક્રમથી રોમ રોમ જાગી ઊઠે છે.‌

આપણું સદ્ નસીબ છે કે દેશનું સુકાન જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યું છે, ત્યારથી જાણે કે આ વંદે માતરમ્ ગીતના શબ્દો પુનઃ જાગૃત થઈ ગયા છે. સૌ કોઈને લાગે છે કે આ ગીતમાં રહેલી દેશભક્તિને આદરણીય નરેન્દ્રભાઈએ જાણે મૂર્તિમંત કરી છે, એક ગીતના શબ્દોને રાષ્ટ્રના જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એ માટેની પ્રેરણા અને પરિશ્રમ આજે પરિણામો આપી રહ્યા છે. આઝાદીની લડાઈમાં એ વખતે ‘આનંદમઠ’ નવલકથામાં સંન્યાસીઓના સંઘર્ષની વાત આવતી હતી, આજે નરેન્દ્રભાઈની તપશ્ચર્યા અને ત્યાગ આ ગીતના શબ્દોને જાણે ચરિતાર્થ કરી રહ્યા છે. એ દિવસ યાદ કરો, જ્યારે કાશ્મીરના લાલ ચોકથી  નરેન્દ્રભાઈએ ‘ત્વં હિ દુર્ગા..’નો ભાવ સમગ્ર દેશમાં જગાવેલો.

મા ભારતીને ખરા હૃદયથી વંદન એટલે ‘વંદે માતરમ્’. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત આ ગીત સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ઉદ્ ઘોષ સમું બન્યું હતું. આ ગીતનો પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક શબ્દમાંથી વ્યક્ત થતા પ્રત્યેક તેજબિંદુએ સ્વાતંત્ર્ય સેનાનીઓમાં બ્રિટીશ સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ઉદ્દીપકનું કાર્ય કર્યું હતું. ઈ.સ. ૧૮૭૫માં લખાયેલા આ ગીતને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ત્યારે એક વાત ચોક્કસ છે કે, આ માત્ર એક ગીત નથી,

માત્ર શબ્દોથી રચિત કોઈ ગાન નથી, પરંતુ ‘વંદે માતરમ્’ સાચા અર્થમાં ભારત માતાને વંદન છે, નમન છે. વંદે માતરમ્ ગીતની સાર્ધ શતાબ્દી નિમિત્તે ૭ કરોડ ગુજરાતીઓ વતી હું પણ આ ગીતને વંદન કરી મા ભારતી માટેની કૃતજ્ઞતા અને અહોભાવ વ્યક્ત કરું છું. વંદે માતરમ્ ના ૧૫૦મા વર્ષને એક વિશેષ વર્ષ તરીકે ઉજવવાનું વિઝન આપનાર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વમાં આ ગીત અસ્ખલિત રીતે વ્યક્ત થાય છે. મોદીજી દ્વારા આપવામાં આવેલ વંદે માતરમ્ ગીતના ૧૫૦મા વર્ષની ઉજવણીના કાર્યક્રમ થકી મા ભારતીના સંતાનોનું કલ્યાણ થાય, તેઓ ગર્વથી માથું ઊંચું કરી ગૌરવભેર જીવન જીવી શકે તે ભાવના નિહિત છે.

આઝાદ ભારતના ઈતિહાસમાં આપણને એવું નેતૃત્વ ભાગ્યે જ જોવા મળશે કે, જેમણે પોતાના પ્રત્યેક કાર્ય અને શ્વાસને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા હોય અને એ કહેતાં મને ગર્વની લાગણી અનુભવાય છે કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. મોદીજીના દરેક કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના અગ્રીમ રહી છે.

મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને સાચા અર્થમાં સ્મરણાંજલિ આપવા માટે માંડવી ખાતે ક્રાંતિતીર્થની સ્થાપના હોય કે, પછી બલિદાનના પર્યાય એવા ભૂચર મોરીના મહત્વને ઉજાગર કરવાનું હોય, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના મહાન બલિદાનના ઉદાહરણરૂપ  એવા ભગવાન બિરસા મુંડાના મહત્વને દુનિયા સમક્ષ લાવવાની વાત હોય કે, પછી રાષ્ટ્રીય એકતાના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સ્મરણાંજલિ આપવાની વાત હોય, મોદીજીના દરેક કાર્યમાં આપણને માત્ર એક જ ભાવ અનુભવાય છે અને તે છે ‘વંદે માતરમ્

આ વંદે માતરમ ગીતનો જાણે કે યથાર્થ મહિમા કરતા હોય એમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિને એક નવો વળાંક આપ્યો, વિકાસનો નવમાર્ગ ચીંધ્યો. મોદીજી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પંચશક્તિની વાત કરી, જળ વ્યવસ્થાપનની વાત કરી કારણ કે વંદે માતરમ્માંથી એમને પ્રેરણા મળી હતી કે આ ધરતી સશ્યશ્યામલા ઉર્વરક ભૂમિ છે.

એમણે વડાપ્રધાન બનીને પણ કન્યા કેળવણી અને સમગ્ર શિક્ષાને એક નવી દિશા મળે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી, કારણ કે મોદી સાહેબ આખી જિંદગી ગાતા રહ્યા, ‘વાણી વિદ્યાદાયિની, નમામિ ત્વામ્, અમલામ્ અતુલામ્… આ શબ્દોમાં રહેલી અપાર શક્તિથી કન્યા કેળવણીની શરૂ થયેલી યાત્રા ચંદ્ર ઉપર શિવશક્તિના પોઇન્ટની પ્રસ્તાવના સુધી પ્રસરેલી છે.

આપણે જોઈ શકીએ કે, રાત-દિવસ દેશ માટે મહેનત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ વંદે માતરમ્ના ગીતને જાણે કે જીવી રહ્યા છે, ‘ત્વં હિ પ્રાણા શરીરે…’ એમ એમ કહેતા કહેતા જાણે કે પ્રત્યેક શ્વાસ રાષ્ટ્ર માટે સમર્પિત કરવાની ભાવનાનું એક ઉત્તમ આદર્શ જીવન જીવીને સૌ કોઈ દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યા છે. જ્યારે શૌર્ય બતાવવાનું આવ્યું, તો કાયર દુશ્મનોને ઑપરેશન સિંદૂર દ્વારા દર્શાવી દીધું કે, આ રાષ્ટ્ર અમારી માતા છે અને અમે અને વર્ષોથી ‘બહુબલધારિણીમ્ રિપુદલવારિણીમ્’ એમ કહીને સંબોધી છે. આ દેશભક્તિ એ જ આ ગીતની પ્રાણ શક્તિ છે અને એને આપણને જાણે કે દસે દિશાઓમાંથી ઊર્જા આપી છે..

આજે જે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ  વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ રહી છે, તેમાં સૌ કોઈને એવી આતુરતા છે, એવી ખેવના છે કે આપણી ભારત માતા સુખદા અને વરદા બને. એટલા માટે ભારતને વિકસિત બનાવવા માટે જાણે કે એક દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન આપણને મળ્યા છે. આ ગીતના શબ્દોને વ્યક્ત સ્વરૂપ આપીને તેઓ એક નવા યુગનું સર્જન કરી રહ્યા છે.

જગતજનની અને આપણી ભારત માતા આપણને એવી શક્તિ બક્ષે જેનાથી ૨૦૪૭માં જ્યારે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય, ત્યારે નરેન્દ્રભાઈ આપણને બોલાવે છે એ જ ખુમારીથી અને ગૌરવથી આપણે વિશ્વ સમક્ષ જય ઘોષ કરી શકીએ, અને ગાઈ શકીએ, ‘વંદે માતરમ્


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.