રાણીપમાં લૂંટ કરવા આવેલી બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખ્યું
દુકાનદારે મહિલાને ૨૫ સેકન્ડમાં ૧૭ લાફા ઝીંક્યા
(એજન્સી)અમદાવાદ,અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં ઘરેણાં ખરીદવાના બહાને આવેલી એક મહિલાએ જ્વેલરની આંખમાં મરચાની ભૂકી ફેંકીને લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે.સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં આવે છે. જ્યારે દુકાન માલિક તેને ઘરેણાં બતાવવા માટે નજીક આવે છે, ત્યારે મહિલા અચાનક તેની આંખમાં મરચાની ભૂકી ફેંકે છે.
જોકે, દુકાન માલિકે સમયસૂચકતા વાપરી અને હિંમતભેર મહિલાનો સામનો કર્યો. વેપારીએ તરત જ મહિલાને પકડી પાડી હતી અને સ્વ-બચાવમાં તેને થપ્પડ મારી દીધી હતી. આ ઝપાઝપી બાદ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી.
આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. અહેવાલો મુજબ જ્વેલરે આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણીપ પોલીસે વીડિયોના આધારે જાતે જ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરીને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ એ
પણ તપાસ કરી રહી છે કે શું આ કોઇ અંગત અદાવત હતી કે પછી મહિલા કોઈ મોટી લૂંટારુ ગેંગનો ભાગ હતી કે કેમ.?
