ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખેલા નેપાળી ઘરઘાટી ૧૦ લાખની ચોરી કરી ફરાર
(એજન્સી)અમદાવાદ,અમદાવાદ નજીક સાણંદના કલ્હાર ક્લબમાં મુંબઈના એક દંપતીના વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે, જ્યાં આઠ દિવસ પહેલા જ રાખેલા નેપાળી મૂળના બે ઘરઘાટીઓ રૂ. ૧૦ લાખથી વધુની કિંમતની XUV, લક્ઝરી ઘડિયાળ અને સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા છે. દંપતીએ ઓનલાઈન એજન્સી દ્વારા નોકરોને રાખ્યા હતા. પોલીસે હાલ આ મામલે ગુનાઈત વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.
સાણંદ પોલીસ સ્ટેશનમાં ૩૮ વર્ષીય એસ્થર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીની ઓળખ નેપાળના રહેવાસી મીત બહાદુર દમાઈ અને દેવરાજ ભુદરાઈ ભગીરથ ભદ્રરાઈ તરીકે થઈ છે. દંપતીએ માત્ર આઠ દિવસ પહેલાં જ બંનેને કામ માટે રાખ્યા હતા. એસ્થર અને તેનો પતિ કમલ શર્મા (જે ઇયાવ ગામ પાસે એક પેપર કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે) છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કલ્હાર ક્લબના બંગલો નંબર ૨૨૫માં રહે છે. તેમણે લગભગ પખવાડિયા પહેલા ઓનલાઈન સર્ચ દ્વારા એસ. કે. મેનપાવર સર્વિસ નામની એજન્સીનો સંપર્ક કર્યો હતો. ફોટા અને આઈડી પ્રૂફ વોટ્સએપ પર મેળવ્યા બાદ બંને નોકરોને ૧૫, ૦૦૦ ના માસિક પગાર પર રાખવામાં આવ્યા હતા અને એજન્ટને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૧૩,૦૦૦ કમિશન ચૂકવ્યું હતું.
એસ્થરે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ૪ નવેમ્બરે સવારે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ તેણે જોયું કે, ર્પાકિંગમાંથી તેની મહિન્દ્રા XUV500 (MH રજિસ્ટ્રેશન નંબર ધરાવતી) ગુમ હતી. જ્યારે તેણે નોકરોના રૂમની તપાસ કરી તો બંને નોકરો અને તેમનો સામાન પણ ગાયબ હતો. કલ્હાર ક્લબના મુખ્ય ગેટના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે જ રાત્રે ૨ઃ ૪૫ વાગ્યે બંને આરોપીઓ પરિવારની જીંફ લઈને બહાર જતા જોવા મળ્યા હતા.
ફરિયાદના આધારે, સાણંદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ચોરી અને ગુનાઈત વિશ્વાસઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓ મુંબઈ અથવા ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર તરફ ભાગ્યા હોવાની શંકા છે અને તેમને ટ્રેક કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. પોલીસ મેનપાવર એજન્સીની પ્રમાણિકતાની પણ ચકાસણી કરી રહી છે.
