વાસદ-તારાપુર હાઈવે પર એસટી બસની ટકકરે અજાણી મહિલાનું મોત
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
ભારેલ ગામ પાસે મોમાઈ હોટલની સામે અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષિય ભીક્ષુક જેવી મહિલા સાથે અકસ્માત સર્જાયો હતો
આણંદ, આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા પેટલાદ તાલુકાના ભારેલ ગામની સીમમાં એસટી બસની ટક્કરે અજાણી ભીક્ષુક જેવી મહિલાનું મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.બોરસદ તાલુકાના રાસ ગામે નીલકંઠ ચોક વિસ્તારમાં ૩૨ વર્ષીય વિવેકભાઈ હર્ષદભાઈ દરજી પોતાના માતા, પિતા સહિતના પરિવાર સાથે રહે છે અને છેલ્લા ચાર વર્ષથી બોચાસણ ટોલ પ્લાઝાના હાઈવે પેટ્રોલીંગમાં સુપરવાઇઝરની નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે.
બુધવારે વિવેકભાઈ દરજી હાઈવે પેટ્રોલીંગની ગાડીના ડ્રાઇવર મહેશભાઈ ભલાભાઇ પરમાર, હેલ્પર ભાવિનભાઈ ફતાભાઈ સોલંકી સહિતના માણસો સાથે વાસદ તારાપુર હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારે જાણ થઈ હતી કે, વાસદ તારાપુર હાઇવે ઉપર પેટલાદ તાલુકાના ભારેલ ગામ નજીક રોડ પર આવેલ મોમાઈ હોટલની સામે અકસ્માત થયેલ છે. જેથી હાઇવે પેટ્રોલીંગ ટીમના માણસો અને પેટલાદ રૂરલ પોલીસ મથકના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા.
જ્યાં તપાસ કરતા એક અજાણી ૪૦થી ૪૫ વર્ષીય ભીક્ષુક જેવી મહિલાને એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડટી-૧૫૯૫ના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ તથા ભીક્ષુક જેવી અજાણી મહિલાનું સ્થળ પર મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે વિવેકભાઈ હર્ષદભાઈ દરજીની ફરિયાદ લઇ પેટલાદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ss1
