૭ વર્ષિય બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરનારા આરોપીને આજીવન કેદ
નવેમ્બર ૨૦૨૩માં રમતી બાળકીને આરોપી ઉપાડી પોતાની ઓરડીમાં લઇ ગયો હતો
અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં રહેતી સાત વર્ષિય બાળકીને તેના જ પાડોશમાં રહેતો યુવક નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો અને હત્યા કરી હતી. આ કેસમાં આરોપીને સ્પે. પોક્સો કોર્ટના જજ એ.બી.ભટ્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.
શહેરના વટવા વિસ્તારમાં રહેતો ઉમાશંકર શ્રીરામ શાહ પડોશમાં રહેતી ૭ વર્ષિય રીના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે)નું ૧૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ પોતાની ઓરડીમાં લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો અને પછી હત્યા કરી હતી. બીજી તરફ રીના ન મળતા તેના માતા પિતાએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન ઉમાશંકરની ઓરડી બહાર લોકો એકત્ર થયા હતા પરંતુ તે ઓરડી ખોલતો ન હતો. જેથી ઓરડીનો નકુચો તોડી લોકો અંદર પ્રવેશ્યા હતા.
ત્યારે મૃત હાલતમાં રીના મળી હતી અને તેના ગુપ્ત ભાગેથી લોહી નિકળી રહ્યું હતું. આ મામલે મૃતકના પિતાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઉમાશંકરને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.જેમાં સરકારી વકીલ ડી.એમ.ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીએ અપહરણ કર્યા બાદ બળાત્કાર ગુજારી નિર્દાેષ સગીરાની હત્યા કરી છે, આરોપીને લોકોએ રંગેહાથ ઝડપી લીધો હતો, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે.
આવા આરોપી સામે દયા દાખવવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર થાય તેમ છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા નરાધમોમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી જેલના હવાલે મોકલી આપ્યો છે.ss1
