Western Times News

Gujarati News

પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર ગુજરાતી લોકસાહિત્ય જગતે તેમના અવસાનથી એક મૌલિક સર્જક, નિષ્ઠાવાન વાર્તાકાર અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું

અમદાવાદ, ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી.

તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત ૯૦થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. તેમની જાણીતી કૃતિઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી લોકપ્રિય વાર્તાઓનો સમાવેશ થાય છે.લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જોરાવરસિંહ જાદવે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને અનેક ગ્રામીણ લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા હતા. ગુજરાતી લોકસાહિત્ય જગતે તેમના અવસાનથી એક મૌલિક સર્જક, નિષ્ઠાવાન વાર્તાકાર અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.