નેઈલ પેઈન્ટનું મટિરિયલ બનાવતા કારખાનામાં રેડ: 22 કરોડની નકલી દવા પકડાઈ
વલસાડ અટગામમાં રૂ.રર કરોડથી વધુના નશીલી દવાના જથ્થા સાથે ચાર પકડાયા
વાપી,વલસાડના અટગામ ખાતે આવેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં આવેલા નેઈલ પેઈન્ટનું મટીરિયલ બનાવતા કારખાનામાંથી ડીઆરઆઈની ટીમ રૂ.રર કરોડની કિંમતના નશા માટે વપરાતા પ્રતિબંધિત કેમિકલ સાથે ચારની ધરપકડ કરી હતી. છેલ્લા એક વર્ષથી ધમધમતા કારખાનામાંથી ૯ કિલો પાવડર અને ૧૦૦ કિલો પ્રવાહી સ્વરૂપમાં કેમિકલ ઝડપી પાડયું હતું.
વલસાડના અટગામ ખાતે કોમર્શિયલ બિલ્ડીંગમા નેઈલ પેઈન્ટનું મટીરિયલ બનાવતા કારખાનામાં ડ્રગ્સ તરીકે ઉપયોગમાં લેવાતી નશીલી દવાનું ઉત્પાદન થતું હોવાનું ડીઆરઆઈની વાપીની ટીમને બાતમી મળી હતી
જેના આધારે ડીઆરઆઈની ટીમ ગઈકાલે મંગળવારે કારખાનામાં છાપો માર્યો હતો જ્યાંથી મુખ્ય બે આરોપી સાથે બે હેલ્પર મળી આવ્યા હતા. ભાડે રાખેલી જગ્યામાં એક વર્ષથી પ્રતિબંધિત કેમિકલનું ઉત્પાદન કરવામાં આવતું હતું જે રાજ્ય બહાર વેચવામાં આવતું હતું.
ડીઆરઆઈની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી ૯ કિલો પાવડર સ્વરૂપમાં દવાનો જથ્થો તેમજ ૧૦૦ લીટર જેટલા પ્રવાહી સ્વરૂપમાં નશીલા દવાનો જથ્થો જપ્ત કર્યો હતો જેની બજાર કિંમત અંદાજિત રૂ.ર કરોડ આંકવામાં આવી છે. તૈયાર થયેલો ૯ કિલોનો જથ્થો રાજ્ય બહાર વેચવાની આરોપીઓ વેતરણમાં હતા ત્યારે જ ડીઆરઆઈની ટીમે છાપો માર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં આધેડ વયના અશોક મુલજીભાઈ પીઠડીયા, ચંદ્રકાંત છેડા, કેતન વિનોદભાઈ રાઠોડ અને એસ.નરસીમુલુનો સમાવેશ થાય છે. મુખ્ય બે આરોપીઓ પૈકી એક આરોપી કેમિકલ કંપનીમાં કામ કરી ચૂકેલો હોવાથી તે અંગેનું જ્ઞાન ધરાવતો હોવાથી પૈસા કમાવવા શોર્ટકર્ટ અપનાવ્યો હતો. આ દરોડાથી વલસાડમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
