ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું
1 લાખ 39 હજાર એકરથી વધુ ખેતરો સુધી પહોંચી સિંચાઈ સુવિધા
Ø લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે છેલ્લા 7 વર્ષમાં ₹5,115 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
Ø આદિવાસી ગામડાઓમાં 1,39,510 એકર જમીન સુધી પહોંચી સિંચાઈ સુવિધા
Ø વનબંધુ કલ્યાણ યોજના અને 2.0 બની આદિવાસી ખેડૂતો માટે વરદાન
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકનો ઉપયોગ કરીને આ વિસ્તારોમાં મોટા પાયે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સફળતા મેળવી છે. રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં ₹5115 કરોડનો જંગી ખર્ચ કરીને આદિવાસી વિસ્તારમાં 1,39,510 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે માત્ર ત્રણ વર્ષ (2023, 2024 અને 2025)માં ₹2212 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તો 2019, 2020, 2021 અને 2022માં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધાઓને વધુ સારી બનાવવા માટે ₹2903 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
આદિવાસી વિસ્તારોમાં ઇરિગેશન કવર સતત વધી રહ્યું છે ત્યારે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું કે, “ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ અમારી મુખ્ય પ્રાથમિકતાઓ પૈકીની એક છે. આપણા માર્ગદર્શક અને દૂરંદેશી નેતા શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી.
આ યોજના અંતર્ગત લિફ્ટ પાઈપલાઈન ટેક્નિકનો ઉપયોગ કરીને, અમે રાજ્યના 6 આદિવાસી જિલ્લાના 708 ગામોના ખેડૂતોને બારમાસી સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં સફળ થયા છીએ. હવે અમે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોને પણ સંપૂર્ણ સિંચાઈયુક્ત બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છીએ, જેમાં ₹3,779 કરોડનો ખર્ચ કરીને આદિવાસી વિસ્તારોના લગભગ 1,44,164 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ સુવિધા પ્રદાન કરવામાં આવશે. આ પરિયોજનાઓ અમે આવનારા સમયમાં પૂર્ણ કરીશું.”
વનબંધુ કલ્યાણ યોજના બની આદિવાસી ખેડૂતો માટે વરદાન
ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત લાગુ કરવામાં આવેલી લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક આદિવાસી વિસ્તારો માટે વરદાન સાબિત થઈ છે. આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો એ પહેલાં આ વિસ્તારોમાં સિંચાઈ અને ખેડૂતોની સ્થિતિ બહુ ચિંતાજનક હતી.
હવે આ વિસ્તારના ખેડૂતો બારમાસી સિંચાઈ સુવિધાઓનો ઉપયોગ કરીને આખું વર્ષ પાક લઈ રહ્યા છે અને તેનાથી તેમની આવક, જીવનશૈલી અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ જ રીતે બાકીના આદિવાસી વિસ્તારોને આધુનિક ટેક્નોલૉજીથી યુક્ત સિંચાઈ સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના 2.0 લાગુ કરવામાં આવી છે અને તેના અંતર્ગત ઘણાં પ્રોજેક્ટ્સ હાલ કાર્યરત છે.”
જાણો શું છે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક અને તેના ફાયદા
લિફ્ટ પાઈપલાઈન ટેક્નિકનો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં પાણીનું સ્તર ખેતરના સ્તરથી નીચે હોય છે. આ ટેક્નિક ખાસ કરીને પહાડી વિસ્તારો, સૂકા વિસ્તારો અને જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં ઉપયોગી છે. આ એક આધુનિક સિંચાઈ પ્રણાલી છે જેમાં પાઈપો દ્વારા પાણી પમ્પ કરવામાં આવે છે અને ઊંચું જમીન સ્તર ધરાવતા ખેતરોમાં પહોંચાડવામાં આવે છે.
આ ટેક્નિકથી સિંચાઈમાં પાણીનો ન્યૂનતમ વ્યય થાય છે, કારણ કે પાણી સીધું ખેતરો સુધી પહોંચે છે. આ ઉપરાંત, પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓની સરખામણીમાં લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક ઓછો શ્રમ માગે છે અને નિયમિત અને પર્યાપ્ત પાણીનો પુરવઠો મળવાને કારણે પાકના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.
