નવી પેઢી સુધી બિરસા મુંડાના બલિદાન, વીરતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને પહોંચાડવાનો મુખ્ય હેતુ
ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ
(તસ્વીરઃ અશોક જોષી) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી નીકળનારી જનજાતિય ગૌરવ યાત્રાને તા. ૭ નવેમ્બરના રોજ ઉમરગામના સરઈ ગામ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને
શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત અને અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ બિરસા મુંડા સહિતના આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરી લીલીઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યો હતો.
જનજાતિય ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે આદિવાસી વાદ્યો અને નૃત્યો સાથે મહાનુભાવોનું ઉમેળકાભેર સ્વાગત કરાયુ હતું. સભા સ્થળે સમસ્ત આદિવાસી સમાજને સંબોધન કરી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય વડાપ્રધાનશ્રીએ લેતા આજે સમગ્ર દેશ ભગવાન બિરસા મુંડાને વંદન કરી રહ્યો છે. સૌથી મોટી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભેટ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. આદિવાસી ગામડાઓમાં પહેલા વીજળી ન હતી, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.
અંતરિયાળ વિસ્તારોમાં રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આદિવાસી સમાજને ગૌરવપૂર્ણ જીવન આપ્યુ છે. ધુમાડાની તકલીફ દૂર કરવા ઉજ્જવલા યોજના, આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ યોજના સહિતની અનેક યોજના અમલમાં મુકી આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડયો છે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિએ ઉજવાઈ રહેલા એકતા પર્વ અને પ્રકાશ પર્વને તા. ૧૫ નવેમ્બર સુધીમાં નિહાળવા જવા સૌને અપીલ કરી જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ દેશની આઝાદી માટેનું
તેમનું બલિદાન અને આદિવાસી સમાજની એકતા માટેનું યોગદાન જનજન સુધી પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. જેથી નવી પેઢી ભગવાન બિરસા મુંડાની અંગ્રેજો સામેની લડત, આદિવાસી સમાજને એક કરવાનું ભગીરથ કાર્ય, નાની ઉંમરે જેલમાં મૃત્યુ સહિતની હકીકતથી વાકેફ થઈ શકે.
