નડિયાદથી વડતાલ-વિદ્યાનગર-આણંદ રૂટ પરની બસ રદ થતાં મુસાફરોની હાલાકી વધી
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા એસટી ડેપોના મેનેજરની મનસ્વીતા કે પછી વહીવટી અણઆવડતના કારણે એસટી બસોના સંચાલનમાં ગંભીર ક્ષતિઓ સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે.
ડેપો દ્વારા નિયમિતપણે વધુ આવક આપતા રૂટ પરની બસો કાપીને અન્ય જગ્યાએ દોડાવવામાં આવી રહી છે. વર્ષોથી નિયમિત ચાલતી અને ડેપોને સારી આવક આપતી ખેડા ડેપોની સાંજે ૫.૩૦ કલાકે નડિયાદ થી વાયા વડતાલ, વિદ્યાનગર, આણંદ જતી એસટી બસ કોઈ અગમ્ય કારણોસર રદ કરી નાખવામાં આવી છે. આ બસ જે રૂટ પર દોડતી હતી
તે રૂટ પર મુસાફરોની સંખ્યા સારી રહેતી હતી અને ડેપોને નોંધપાત્ર આવક પણ થતી હતી, છતાં આ બસ રદ કરી દેવામાં આવી છે. ખેડા એસટી ડેપો દ્વારા બસ રદ થવાના કારણે સાંજે ૫.૩૦ કલાક બાદ વડતાલ, , નરસંડા, વિદ્યાનગર વગેરે સ્થળોએ જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મુસાફરોએ આ બસ ફરી શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં ડેપો મેનેજર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ?
ખેડા એસટી ડેપો દ્વારા બસ બંધ કરવાના લેવાયેલા આ આશ્ચર્યજનક નિર્ણય પર અનેક સવાલો ઊભા થયા છે. એસટી વિભાગનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને સુવિધા આપવાનો હોવા છતાં, અહીં આવક રળાવતા રૂટની બસ અકારણ રદ કરી દેવામાં આવી છે. સાંજે ૫.૩૦ કલાકનો સમય મુસાફરો માટે ખુબ જ અનુકૂળ હતો, જે સમયે કામકાજ પતાવીને અનેક લોકો પોતાના ઘરે કે અન્ય સ્થળે જતા હોય છે.
બસ રદ થવાના કારણે આ રૂટના મુસાફરોને હવે ખાનગી વાહનો અથવા અન્ય મોંઘા વિકલ્પોનો સહારો લેવો પડે છે, જેનાથી તેમને આર્થિક બોજ પણ વધ્યો છે. ડેપો મેનેજરની આ મનસ્વી નીતિ સામે મુસાફરોમાં ઉગ્ર વિરોધ પ્રવર્તી રહ્યો છે અને જો તાત્કાલિક ધોરણે આ બસ સેવા પુનઃસ્થાપિત નહીં થાય તો મુસાફરો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ સમગ્ર ઘટના ડેપો મેનેજરના વહીવટી સંચાલન અને નિર્ણયશક્તિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. હાલમાં શાળા કોલેજ ચાલુ થઈ ગઈ છે છતાં પણ આ બસ ચાલુ કરવામાં આવતી નથી.
