વેરાવળના આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી દરિયામાં તણાઈ
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયાકિનારે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક યુવતી દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના જોરદાર મોજાની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર લોકો બચાવવામાં સફળ રહ્યા જ્યારે એક યુવતી તણાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલું કપલ તેમના મિત્રો સાથે આદરી ગામના દરિયાકિનારે હતા. જેમાં પાંચ વ્યક્તિઓ દરિયાકિનારે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું મોજું આવ્યું. ચાર લોકો એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જોકે, એક યુવતીને આ જોરદાર મોજું સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.
ઘટનાની જાણ થતાં જ મરિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તણાઈ ગયેલી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. દરિયામાં ગરકાવ થયેલ યુવતીને શોધવા માટે સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી રહી છે. દરિયાના જોરદાર મોજા અને ઊંડા પાણીને કારણે યુવતીને શોધવાના પ્રયાસો મુશ્કેલ બની રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
