પિતા, પુત્ર, પુત્રીની ટોળકીએ કેનેડા મોકલવાના બહાને ૩૫ લાખ પડાવ્યા
ભોગ બનેલા યુવકે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
IELTSની પરીક્ષાનું સેટિંગ કરી આપવાનું કહીને આરોપેઓએ હાથ ઊંચા કર્યા
અમદાવાદ,વિદેશ જવાની લાલચમાં આવતા લોકો અનેકવાર નાણાં ખોઇ બેસતા હોવાના અનેક કિસ્સા બની ચૂક્યા છે ત્યારે શહેરમાં રહેતો વધુ એક પરિવાર આ પ્રકારની લાલચમાં આવતા ૩૫ લાખ ગુમાવી બેઠો છે. રાણીપ વિસ્તારમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડા મોકલવાની બાંયધરી આપીને મુખ્ય આરોપીએ તેની પુત્રી અને પુત્ર સાથે મળીને છેતરપિંડી આચરી હતી.
આ મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાણીપમાં રહેતા વિષ્ણુભાઈ પટેલ હાર્ડવેર સ્ટોર્સમાં નોકરી કરે છે. ૨૦૨૩માં હાલ કેનેડામાં રહેતા મૂળ રાણીપના અશ્વિન પટેલ ફરિયાદી વિષ્ણુભાઇના સાસુને મળ્યા હતા. અશ્વિન પટેલે પોતે કેનેડામાં સિટીઝન થઇને એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહીને વિષ્ણુભાઇના સાસુને ફસાવ્યા હતા. તેમણે દીકરી અને જમાઇને કેનેડા મોકલવા માટેની વાત કરીને અશ્વિન પટેલ સાથે ઓળખાણ કરાવી હતી.
અશ્વિન પટેલે પીઆર કરાવી આપવાનો ૭૦ લાખ ખર્ચ કહીને IELTSની પરીક્ષાનું સેટિંગ કરી આપવાની બાંયધરી આપી હતી. અશ્વિનને એડવાન્સમાં ૩૫ લાખ આપવાનું કહીને વિષ્ણુભાઇ પાસેથી ૧૦ લાખ મેળવ્યા હતા. અશ્વિન પોતે કેનેડામાં રહીને જ્યારે તેની દીકરી સુવર્ણા ભારતમાં રહીને ભેગા મળીને કામ કરતા હોવાનું કહીને ડોક્યુમેન્ટ મેળવીને દીકરી સુવર્ણા સાથે મુલાકાત કરાવી હતી. તે પછી ૨૦૨૩ના જુલાઈમાં અશ્વિન કેનેડા જતો રહ્યો હતો અને બાદમાં તેની દીકરી સુવર્ણાએ વિષ્ણુભાઇ પાસેથી પાંચ લાખના પાંચ ચેક મળીને ૨૫ લાખના ચેક લીધા હતા.
ચેક અલગ અલગ લોકોના ખાતામાં ભરાવીને સુવર્ણાએ IELTS પરીક્ષાનું સેટિંગ અમારાથી નહીં થાય તમારે પરીક્ષા આપવી પડશે તેમ કહીને હાથ ખંખેર્યા હતા. થોડા સમય બાદ અશ્વિન ભારત પરત આવ્યો ત્યારે તેણે પણ કેનેડામાં નિયમો બદલાયા છે તેમ કહીને કામ મોડુ થશે તેવું કહીને હાથ ઊંચા કર્યા હતા. બાદમાં આરોપીઓએ વિષ્ણુભાઇની સાસુને ખોટો એલએમઆઇ લેટર મોકલીને વાયદા કર્યા હતા.
થોડા સમય બાદ અશ્વિન અને તેની પુત્રી સુવર્ણાને ફોન કરતા બંનેએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આમ, અશ્વિન પટેલ, તેની પુત્રી સુવર્ણા, પુત્ર જીગર તથા સુરજ પ્રજાપતિએ ભેગા મળીને રૂ. ૩૫ લાખ લઈને કેનેડા ન મોકલીને છેતરપિંડી આચરી હોવાનું જણાયું હતું. આ મામલે રાણીપ પોલીસે ચારેય લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1
