Western Times News

Gujarati News

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘તમારો દીકરો દોષિત નથી’, પાઇલટના પિતાને સુપ્રીમ કોર્ટની હૂંફ

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે “વિદેશી મીડિયાના અહેવાલોથી અમને કોઈ ફરક પડતો નથી. દેશમાં કોઈ પણ એવું માનતું નથી કે આ દુર્ઘટના માટે પાઇલટ દોષિત હતો.” – 

નવી દિલ્હી: અમદાવાદમાં ૧૨મી જૂનના રોજ થયેલા કરુણ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (AI-171)ના કેસમાં સુપ્રીમ કોર્ટે મૃતક પાઇલટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલના ૯૧ વર્ષીય પિતા પુષ્કરરાજ સભરવાલને હૂંફ આપતા જણાવ્યું કે, “આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તમારે એ બોજ ઉઠાવવો ન જોઈએ કે તમારા દીકરાને દોષિત ઠેરવવામાં આવી રહ્યો છે. કોઈ તેને દોષિત ઠેરવી શકે નહીં.”

શા માટે કોર્ટ સુધી પહોંચ્યા પિતા?

કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. તેમની ચિંતા હતી કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અને કેટલાક વિદેશી મીડિયા અહેવાલોમાં તેમના પુત્રને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમના પુત્રની છબી ખરડાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું?

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટપણે કહ્યું:

  • પાઇલોટ નિર્દોષ: “પ્રારંભિક તપાસ રિપોર્ટમાં પણ પાઇલોટ વિરુદ્ધ કોઈ આરોપો નથી. દેશમાં કોઈ પણ એવું માનતું નથી કે આ દુર્ઘટના માટે પાઇલોટ દોષિત હતો. દુર્ઘટનાનું કારણ ગમે તે હોય, પરંતુ તે પાઇલટ નથી.”
  • મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી: વિદેશી મીડિયાના એક અખબારના રિપોર્ટનો ઉલ્લેખ થતાં કોર્ટે તેને ‘ઘટીયા રિપોર્ટિંગ’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે વિદેશી અહેવાલો ભારતની ન્યાયિક પ્રણાલીને પ્રભાવિત કરી શકે નહીં.
  • કેન્દ્રને નોટિસ: કોર્ટે મૃતક પાઇલટના પિતા અને ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ’ (FIP) દ્વારા કરાયેલી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ પર કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

નોંધનીય છે કે ૧૨મી જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું. પ્રાથમિક રિપોર્ટમાં એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ (ફ્યુઅલ કટઓફ) થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ૨૭૦થી વધુ લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે હવે આગામી સુનાવણી ૧૦મી નવેમ્બરના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

કોર્ટમાં અરજદારના વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે:

  • ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં અનામી સરકારી સૂત્રોને ટાંકીને પાઇલટની ભૂલ તરફ ઈશારો કરવામાં આવ્યો હતો, જેના કારણે પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
  • આ રિપોર્ટ AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો)ના સત્તાવાર પ્રાથમિક રિપોર્ટ બહાર પડ્યા પહેલા જ પ્રકાશિત થયો હતો.

સુપ્રીમ કોર્ટે આ અંગે સખત ટિપ્પણી કરી હતી:

  • બેન્ચે આ રિપોર્ટિંગને ‘ઘટિયા રિપોર્ટિંગ’ (Nasty Reporting) ગણાવ્યું હતું.
  • કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે “વિદેશી મીડિયાના અહેવાલોથી અમને કોઈ ફરક પડતો નથી. દેશમાં કોઈ પણ એવું માનતું નથી કે આ દુર્ઘટના માટે પાઇલટ દોષિત હતો.”

આમ, સુપ્રીમ કોર્ટે ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના તે અહેવાલનો ઉલ્લેખ કરીને પાઇલટના પિતાને ખાતરી આપી હતી કે ભારતમાં કોઈ પણ સરકારી રિપોર્ટમાં તેમના પુત્ર પર દોષારોપણ કરવામાં આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.