કીર્તિ પટેલની પાસા હેઠળ ધરપકડ: ધાકધમકી, ખંડણી સહિતના અલગ 9 ગુના નોંધાયા
કીર્તિ પટેલ સામે ધાકધમકી, ખંડણી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 9 ગુના નોંધાયા-સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની પાસા હેઠળ ધરપકડ
સુરત, સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
ગુનાહિત ઈતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દીધી છે.સુરત પોલીસે ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સો સામે કડક વલણ અપનાવ્યું છે. આ પ્રકારના આરોપીઓ કે જેઓ સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરે સૂચના આપી છે.
આવા પ્રકારના ગુનાઓમાં બહુચર્ચિત કીર્તિ રણછોડભાઇ પટેલનું નામ યાદીમાં મોખરે હતું. તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ છે. કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે.
કારણ કે તેનું મુખ્ય હથિયાર ‘સોશિયલ મીડિયા’ રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની છે. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી. પરંતુ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તે આ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરી રહી છે.
કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરતી વખતે તેના ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો છે. કીર્તિ પટેલ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.તાજેતરમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સુરત જેલમાં 93 દિવસ રહ્યા બાદ બહાર આવી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે તરત જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેણે ભારે ચર્ચા જગાવી હતી.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની બે કરોડની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો ખુલીને બહાર આવી રહ્યા છે.
કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતિએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી હતી.17 જૂન, 2025ના રોજ ખંડણીખોર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની અગાઉ બે વાર ધરપકડ થઈ ચૂકી છે અને જેલની હવા ખાઈ ચૂકી છે. જો કે, ત્યારે તે જામીન પર છૂટીને બહાર આવી ગઈ હતી.
પરંતુ હવે કીર્તિ પટેલ સામે 9 જેટલા ગુના નોંધાયા હોવાથી હાલ જેલમાં છે. હવે બહાર નીકળવા માટે તેણી હવાતિયાં મારી રહી છે. છેલ્લા એક મહિનામાં બે કેસમાં જામીન અરજી કરી છે. પરંતુ બંને કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.ઉલ્લેખનીય છે કે, પાસા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ’આદતી ગુનેગારો’ને સમાજથી દૂર રાખવાનો છે.
જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવે છે.
