SOGની કાર્યવાહીઃ કાયદેસરની પ્રક્રિયા વગર મકાન ભાડે આપતાં માલિક વિરૂદ્ધ ફરીયાદ
અમેરીકન રાષ્ટ્રપતિનાં આગમન પહેલાં |
પ્રહલાદનગરમાં ત્રણ માલિકો સામે એફઆઈઆરઃ અગાઉ પણ વેજલપુર-આનંદનગરમાં ફરીયાદો નોંધાઈ હતી |
અમદાવાદ: અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ શહેરનાં મહેમાન બનવાને ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ તેમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય એ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. એનાં જ ભાગરૂપે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં હાલમાં એસઓજી દ્વારા ભાડે ચડાવેલાં મકાનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને જે મકાનોની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી એ મકાનનાં માલિકો વિરૂદ્ધ કમિશ્નરનાં જાહેરનામાનો ભંગ કરવાની કલમો લગાવીને કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
આવી જ કાર્યવાહી રવિવારે સમગ્ર દિવસ દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ચલાવવામાં આવી હતી. જેમાં કેટલાંય ભાડે આપેલાં મકાનોની તપાસ કરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન પોલીસને જાણ ન કરવામાં આવી હોય એવાં ત્રણ મકાન માલિકો વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યાં છે. પ્રહલાદનગરનાં કૃષ્ણધામમાં એસઓજી ત્રાટકતાં અશોક હરીભાઈ સાબુકે (રહે,રાજીવનગર, માણેકબાગ), મનિષાબેન નૈષધભાઈ દુધિયા (આનંદનગર, ફ્લેટ, આનંદનગર) અને શૈલેષભાઈ મકવાણા વિરૂદ્ધ ફરીયાદ નોંધી હતી. આ તમામ મકાન માલિકોએ ભાડુઆતની જાણ પોલીસને કર્યા વગર જ મકાન ભાડેથી આપી દીધા હતાં.
થોડાં સમય અગાઉ પણ એસઓજીએ કાર્યવાહી કરતાં ૧૦ જેટલાં કે આનંદનગર તથા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા હતાં. નોંધનીય છે કે, સરકારી મકાનો કેટલાંક સમય સુધી ભાડે કે વેચાણ ન કરી શકાય તેવો નિયમ હોવાથી મકાન માલિકો પોલીસને જાણ કર્યા વગર જ બીજાને રહેવા માટે આપી દેતાં હોય છે અને આવી પરિસ્થિતિ સમગ્ર શહેરમાં આવેલાં સરકારી આવાસોમાં જાવા મળી રહી છે.
ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવતાં પહેલાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારીનાં ભાગરૂપે સમગ્ર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.