ઋષિકેશ પટેલનું તો બધું જ છીનવાઈ ગયું?
૨૦૨૨મા ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાઇ ત્યારે કેબીનેટ મંત્રી ઋષીકેશ પટેલનો ભારે દબદબો હતો. નાયબ મુખ્યમંત્રી માટે બનાવાયેલ ચેમ્બર તેમને ફાળવાઇ હતી, તેઓ પ્રવક્તા મંત્રી હતા, અનેક પ્રતિષ્ઠિત ખાતા તેમને ફાળવાયા હતા.
પરંતુ ૨૦૨૫મા રચાયેલા મંત્રીમંડળમાં તેમનું બધું છીનવાઈ ગયું છે! તેમની ચેમ્બર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફાળવાઇ છે.તેમનુ પ્રવક્તાપદ(સફળતાપૂર્વક કામ કર્યું હોવા છતાં)છીનવાઈ ગયું છે,

તેમને અપાયેલા અગત્યનાં વિભાગો અન્ય મંત્રીઓને ફાળવી દેવાયા છે. એકંદરે ઋષિકેશ પટેલને(રાજકીય ભાષામાં કહીએ તો) કદ પ્રમાણે વેતરી નંખાયા છે. ઋષીકેશ પટેલ પક્ષના એક શિસ્તબદ્ધ સૈનિક હોવાથી કડવો ઘૂંટડો ગળે ઉતારી ગયા છે અને હસતા હસતા ફોટા પડાવે છે.
ધી જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કની ગાંધીનગર બ્રાન્ચ બંધ થાય છે?

ગાંધીનગરમાં સેકટર -૨૨મા પોતાની બ્રાન્ચ છેલ્લા ૧૫ વર્ષથી ધરાવતી જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કની આ બ્રાન્ચ આગામી જાન્યુઆરી -૨૦૨૬થી બંધ થાય છે.
કમનસીબી એ છે કે સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મકાનમાં બેસતી આ બેન્ક પાસે સરકારે મકાન પાછું માગ્યું છે તેને કારણે જુનાગઢ બેન્કની આ શાખાએ ઉચાળા ભરવા પડે એમ છે અને નાગરિકોની એક સુવિધા ઝૂંટવાઈ જવાની છે.
આશ્ચર્ય તો એ વાતનું પણ થાય છે કે ધી જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કનું આખું સંચાલક મંડળ ભારતીય જનતા પક્ષના હાથમાં છે અને ગાંધીનગરમાં ભાજપની સરકાર છે (ડબલ એન્જિન જેવી સ્થિતિ છે)
તેમ છતાં સરકાર બેન્ક પાસે મકાન ખાલી કરાવે એ સૂચવે છે કે ભા.જ.પ.માં પણ આંતરિક ખટરાગ ચરમ સીમાએ પહોંચ્યો હશે.ભા.જ.પ.ની સરકાર જ ભા.જ.પ.સંચાલિત નાગરિક સહકારી બેન્કનું મકાન ખાલી કરાવે અને જુનાગઢ બેન્કના સંચાલક મંડળે પણ એ શાખા જુનાગઢની શાખામાં ભેળવી દેવાનો નિર્ણય નતમસ્તકે લેવો પડે એ પણ સમયની બલિહારી જ ગણાય ને?
સેક્ટર -૧૭માં ધારાસભ્યો માટે તૈયાર થયેલા ક્વાર્ટસની ફાળવણી કરી દેવાઈ

ગુજરાત વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની તા.૩/૧૧/૨૫ના દિવસે મળેલી બેઠકમાં સેક્ટર -૧૭ ખાતે બાંધવામાં આવેલા નવા એમ.એલ.એ.ક્વાટર્સની ફાળવણી કરી દેવામાં આવી છે.આ ફાળવણીમાં દરેક જિલ્લાના ધારાસભ્યો સાથે અને નજીકનજીક રહી શકે તે રીતે ફાળવવામાં આવ્યા છે.
કુલ-૧૫૦ ધારાસભ્યોને બ્લોક ફાળવાયા છે.તેમાં પણ ૧૧ મહિલા ધારાસભ્યો (ક)માલતી મહેશ્વરી(ખ)રીટા કેતન પટેલ(ગ)પાયલ ઠુકરાવી(ઘ) કંચન રાદડિયા(ચ)ડો.દર્શિતા શાહ (છ)ભાનુ બાબરિયા (જ)ગીતાબા જાડેજા(ઝ)સેજલ પંડ્યા(ટ) નિમિષા સુથાર(ઠ)દર્શના દેશમુખ અને(ડ)સંગીતા પાટીલને બ્લોક નંબર -૬ માં જ નિવાસ ફાળવાયા છે.જેથી મહિલા ધારાસભ્યો એકબીજા સરળતાથી મળી શકે.અહીં સમગ્ર ગુજરાતની જનતા વતી એવું ઇચ્છવાનું મન થાય કે ગુજરાતના ધારાસભ્યો માટે આ મુકામ આખરી બની રહે.તેનુ કારણ એ છે કે ધારાસભ્યોના આ નિવાસ પાંચમી વખત ફેરવાયા છે.
(૧)ઃ-અગાઉ આ સ્થળે એટલે કે સેકટર -૧૭મા જ એક બેડરૂમ,હોલ કિચન વાળા (સરકારી ભાષામાં કહીએ તો) ‘છ’ ટાઈપના ક્વાર્ટર ધારાસભ્યોને અપાયા હતા.એ પછી (૨)ઃ-સેક્ટર -૯મા ધારાસભ્યો માટે નિવાસ બન્યાં,એ પછી ફરી પાછા(૩)ઃ- ‘ચ’- માર્ગ પર સેક્ટર -૧૭મા સદસ્ય નિવાસ બનાવાયા અને તે પછી(૪)ઃ- સેકટર -૨૧મા એમ.એલ.એ?.ક્વાર્ટર બન્યા હતા.
(૫)ઃ-હવે પૂનઃ સેક્ટર -૧૭મા નવાં ક્વાર્ટરમાં ધારાસભ્યો રહેવા જશે.કહેવત એવી છે કે ‘બીલાડી ૪ ઘર ફેરવે’ નિવાસ ફેરવવામાં ધારાસભ્યોએ બીલાડીનો રેકર્ડ તોડી નાખ્યો હોં!
‘ઓપરેશન સિંદુર’ પર મેજર જનરલ ગૌરવ બગ્ગાનુ નીફ્ટમા પ્રવચન

કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્થપાયેલી અને કેન્દ્ર દ્વારા જ સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિગ મેજર જનરલ ગૌરવ બગ્ગાનુ એક પ્રવચન ઓપરેશન સિંદુર પર તા.૭નવેમ્બરે યોજવામાં આવ્યું હતું.
મોટેભાગે લશ્કરના અધિકારીઓ કેમેરા,માઈક અને લોકો સમક્ષ સમક્ષ જવાનું પસંદ નથી કરતા તેનાથી ઉલટું સંપૂર્ણ લશ્કરી યુનિફોર્મમાં સજ્જ થઈને આવેલા મેજર જનરલ ગૌરવ બગ્ગા એક જાહેર વક્તાની અદાથી બોલ્યા હતા.પોતાના પ્રવચનમાં બગ્ગાએ સૈન્યની રણનીતિ, નેતૃત્વ અને નિર્ણાયક ક્ષમતા જેવા ગુણો અંગે વિગતે વાત કરી હતી.
તથા આ ગુણો વિદ્યાર્થી જીવનમાં પણ ઉતારવાની સલાહ આપી હતી.લશ્કરી યુનિફોર્મમાં હોવાં છતાં મેજર જનરલ ગૌરવ બગ્ગાની અદાઓ મોટીવેશનલ સ્પીકર કે રાજકીય વક્તા જેવી વધારે લાગતી હતી.
જે (૧)ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન
(૨)ગુજરાત યુનિવર્સિટી(૩)આઈ.આઈ.એમ., અમદાવાદ(૪)ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
(૫)જી.એન.એલ.યુ અને (૬)ઈ.ડી.આઈ.આઈ.ના મુગ્ધ વિદ્યાર્થીઓને પ્રભાવિત કરી ગઇ હતી.
જુના સચિવાલયના મેટ્રો રેલ સ્ટેશનનું બાંધકામ કેમ પૂર્ણ નહીં થતું હોય?

ગાંધીનગર – અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન વ્યવહાર પૂરબહારમાં ચાલી રહ્યો છે.તેમ છતાં ગાંધીનગરના ડો.જિવરાજ મહેતા ભવન(જુના સચિવાલય)પાસેનું મેટ્રો રેલ
સ્ટેશનનુ બાંધકામ છેલ્લા ૫ -૭ વર્ષથી ચાલી રહ્યું હોવા છતાં એ કોઈ અકળ કારણોસર પૂર્ણ થતું જ નથી!
આને કારણે ચ-૫ સર્કલથી સર્કિટ હાઉસ, સેક્ટર -૧૯-૨૦મા જવાનાં રસ્તા વર્ષોથી બંધ છે.આ બધાને કારણે ગાંધીનગર વાસીઓને ખૂબ તકલીફ પડે છે પણ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓની આંખ ઉઘડતી નથી!!
