હડકવા ગ્રસ્ત ભેંસનું મૃત્યું થતાં ગામમાં અરેરાટી: દૂધ પીધેલા ગ્રાહકોએ રસી મૂકાવી
પ્રતિકાત્મક
આમોદના કોબલા ગામે હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો.જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવા ગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો.
જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો.જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.
ત્યાર બાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું.તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.આથી ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી.
ત્યાર બાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી.જેથી તેમના ગ્રાહકો અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા ડોટ લગાવી હતી.ગત રોજ સાંજ સુધીમાં ગામના ૩૨ લોકોએ વેક્સિન મુકાવી હતી.તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો.પરંતુ જે તે સમયે અમોને જાણ નહોતી.જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યાર બાદ ત્રણ દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી.
આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ.માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી.જેથી કેબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી હતી.
