કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી – શીલજ ખાતે નવીન અભ્યાસક્રમોમાં યોગદાન આપવા 6 કંપનીઓએ LoI કર્યા
યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટના તાલીમ કાર્યક્રમો માટે રિષભ સોફ્ટવેર-વડોદરા સાથે, ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો માટે સ્યોર સેફટી પ્રા.લિ – વડોદરા સાથે તેમજ સ્કીલ કોર્સિસ માટે ટાટા ઇન્ડિયન ઇન્સ્ટી.ઓફ સ્કિલ્સ-અમદાવાદ, ટોપ્સ ટેકનો. સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર-અમદાવાદ, વારી એનર્જીઝ લિ. તથા યશસ્વી સ્કિલ્સ લિ. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
• *ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેક્નોલોજી, ઈ.વી ટેક્નોલોજી, હેલ્થકેર, એડવાન્સડ સાયબર સિક્યોરીટી, ડિજિટલ ફોરેન્સિક, એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશન, હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટે LoI અર્પણ કરાયા*
ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ૦૬ ઉદ્યોગોએ પોતાના ઉદ્યોગ એકમો ખાતે જ નવા તાલીમ કાર્યક્રમો શરુ કરવા માટે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી સાથે MoU સંપન્ન કર્યા છે. આ ઉપરાંત કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગગૃહની સહભાગીતાથી યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે બદલાતી ટેક્નોલોજીને અનુરૂપ નવા અભ્યાસક્રમો શરુ કરવા માટે વિવિધ ૦૬ ઉદ્યોગોએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી એ રાજ્ય સરકારની એફીલેટેડ યુનિવર્સિટી છે, જેની સ્થાપના રાજ્યના યુવાનોને સ્કિલ આધારિત શિક્ષણ – તાલીમ આપવા અને તેમનામાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા માટે કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેક્નોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરીને રાજ્યના વધુમાં વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે.
વધુમાં મંત્રી શ્રી બાવળિયાએ ઉમેર્યું હતું કે, ઉદ્યોગ, રોકાણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિશ્વભરના રોકાણકારોને આકર્ષી રહ્યું છે. જેના પરિણામે આજે ગુજરાતના યુવાનોને વૈશ્વિક રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાત આજે કૌશલ્યા યુનિવર્સિટીના માધ્યમથી નવી ટેક્નોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે વિવિધ ઉદ્યોગો સાથે સહભાગીતા કરીને તેમના એકમો ખાતે જ તાલીમ કેન્દ્રો શરુ કરીને યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનના કારણે આજે ગુજરાતમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસના કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત દેશનો અગ્રણી રાજ્ય છે. ઉચ્ચ ટેકનીકલ અને મૂલ્યવર્ધન કરનારા ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબધ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીએ AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટના તાલીમ કાર્યક્રમો માટે રિષભ સોફ્ટવેર-વડોદરા સાથે, ઔદ્યોગીક સલામતી તથા ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો માટે સ્યોર સેફટી પ્રા.લિ – વડોદરા સાથે તેમજ વિવિધ સર્ટીફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી, સ્કીલ કોર્સિસ માટે ટાટા ઇન્ડિયન ઇન્સ્ટી.ઓફ સ્કિલ્સ-અમદાવાદ, ટોપ્સ ટેકનો. સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર-અમદાવાદ, વારી એનર્જીઝ લિ. તથા યશસ્વી સ્કિલ્સ લિ. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ઉપરાંત કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગગૃહની સહભાગીતાથી યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેકનોલોજીને લગતા કોર્સીસ શરુ કરવા પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેકનોલોજી, ઈ.વી ટેકનોલોજીને લગતા કોર્સીસ શરુ કરવા મેન્ટ્રીક ટ્રેઈનીંગ એન્ડ કન્સલ્ટીંગ પ્રા.લિ, હેલ્થકેરને લગતા કોર્સીસ શરુ કરવા શેલ્બી એકેડમી, એડવાન્સડ સાયબર સિક્યોરીટી અને ડિજીટલ ફોરેન્સિકના અભ્યાસક્રમો શરુ કરવા AIIPL ટેક. પ્રા.લિ, એગ્રી બાયોટેકનોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશનમાં ઉચ્ચ કક્ષાની સ્કિલ ટ્રેનિંગ માટે એમ.વાય એગ્રીમોની પ્રા.લિ તથા હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ માટે ફાઈન્ડ જોબ્સ જેવા ઉદ્યોગોએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડો.એસ.પી.સિંઘ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, ચીફ સ્કિલ કોર્ડીનેટર શ્રી પી.એ.મિસ્ત્રી, ઉદ્યોગકારો તેમજ કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
