અમદાવાદ, સુરત અને રાજકોટના કાપડ ઉદ્યોગને બિહાર મતદાનની અસર
પ્રતિકાત્મક
બિહારી શ્રમિકો મતદાન માટે વતન જતાં કાપડ સહિતના ઉદ્યોગોમાં કામદારોની અછત
(એજન્સી)અમદાવાદ, બિહાર વિધાનસભાની ચૂંટણીની અસર હજાર કિલોમીટર દૂર ગુજરાતના ઉદ્યોગોમાં પણ અનુભવાઈ રહી છે. બિહારમાં ચૂંટણી પ્રચાર માટે રાજ્યના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પટણા પહોંચી ગયા છે સાથે જ બિહારના ગુજરાતમાં રહેતા મતદારોને પણ વતન પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના પગલે લાખો બિહાર કામદારો ‘માદરે વતન’ ચાલ્યા ગયા હોવાથી સુરત, રાજકોટ, તથા અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોની અછત સર્જાઈ છે. ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં બિહારી કામદારો કામ કરતા હોવાથી કામદારોની અછત જોવા મળી રહી છે. કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ બિહારી કામદારોની અછત વર્તાઈ રહી છે.
દિવાળીની રજાઓમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માટે મૂકાયેલી ખાસ ટ્રેનોમાં કામદારો પોતાના વતન પહોંચી ગયા છે. બિહારમાં છઠ પૂજાનું પણ ખાસ મહત્ત્વ હોવાથી પણ બિહારી કામદારો પોતાના પરિવાર સાથે વતન ગયા છે. બીજી તરફ જે તે ઉમેદવારો દ્વારા પણ મતદારો માટે ચૂંટણીને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ખેતરનું કામ પણ થઈ જાય જેને પગલે કામદારો દિવાળીથી વતનમાં જઈને ચૂંટણી માટે રોકાઈ ગયા છે તેને પગલે ગુજરાતના કાપડ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને કામદારોની અછત વર્તાઈ રહી છે.
કાપડ બજારના નરેશ શર્માએ જણાવ્યું હતું કે, શ્રમિકોની ખોટ વર્તાઈ રહી છે. જ્યારે વટવા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મિહિર પટેલના જણાવ્યા મુજબ શ્રમિકોની અછત છે પરંતુ મંદીને લઈને બૂમ પડી નથી. બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજો તબક્કો ૧૧ નવેમ્બરે યોજાવાનો છે. ૧૪ નવેમ્બરે મતગણતરીના પરિણામો જાહેર થવાના છે.
ચૂંટણીને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને નરોડા, ઓઢવ, ચાંદખેડા, સાણંદ અને ચાંગદોરમાં આવેલા ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર દેખાઈ રહી છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાંથી આવેલા કામદારો ઉદ્યોગોના મુખ્ય આધારસ્તંભ છે.
મોટાભાગના કારખાનાઓમાં પ૦થી ૬૦ ટકા મજૂરો ઉત્તરપ્રદેશ તથા બિહારના રહેવાસી છે. હાલમાં ઘણા કામદારો પોતાના વતનમાં મતદાન માટે ગયા હોવાથી ફેકટરીઓમાં ઉત્પાદન ધીમું પડયું છે.
