Western Times News

Gujarati News

સાયબર ઠગાઈની નવી મોડેસ ઓપરેન્ડીથી પોલીસ પણ પરેશાન થઈ ગઈ

ફલેશ મેસેજ મોકલી યુવકના ખાતામાં રહેલા ૭૦,૦૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા

(એજન્સી)અમદાવાદ, સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાને અટકાવવા માટે ગુજરાત પોલીસના સાયબર વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાઓ પણ ઠગાઈની નીતનવી મોડેસ ઓપરેન્ડીથી લોકોની મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ચાંઉ કરી જાય છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને સામાન્ય સુથારી કામ કરતા યુવકના મોબાઈલમાં અચાનક ફલેશ મેસેજ આવ્યો અને થોડી જ વારમાં મોબાઈલ અપડેટ થવા લાગ્યો અને યુવક કશું સમજે તેની પહેલાં તેના એકાઉન્ટમાં રહેલા તમામ રૂપિયા સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

નિકોલ નરોડા વિસ્તારમાં સોસાયટીમાં રહેતો ૩પ વર્ષીય યુવક તેના પરિવાર સાથે રહે છે અને સુથારી કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ર૭ ઓકટોબરના રોજ યુવક ઘરે હાજર હતો અને સમય પસાર કરવા યુવક તેના મોબાઈલમાં ફેસબુકમાં આવતી રિલ્સ જોતો હતો.

એકા-એક તેના મોબાઈલની સ્ક્રીન પર ફલેશ મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે, તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા પ૦૦૦ કપાઈ ગયા છે. જો તમારાથી રૂપિયા કપાયા હોય તો તાત્કાલિક બેન્કને જાણ કરો. આ પ્રકારનો મેસેજ જોતાની સાથે યુવક ગભરાઈ ગયો અને તુરંત પોતાના મોબાઈલમાં રહેતી ફોન-પે એપ્લિકેશન ખોલીને તેમાં બેલેન્સ ચેક કર્યો તો યુવકના એકાઉન્ટમાં રહેલા રૂપિયા કપાયેલા નહીં જોતા રાહતનો શ્વાસ લીધો હતો.

બાદમાં યુવકે ફોન પે એપ્લિકેશન બંધ કરીને મોબાઈલ બાજુમાં મૂકીને અન્ય કામ કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ યુવકના મોબાઈલમાં સિસ્ટમ અપડેટનો મેસેજ આવ્યો અને ફોન અપડેટ થવા લાગ્યો હતો ત્યારબાદ યુવકે મોબાઈલ બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મોબાઈલના તમામ ફંકશન કામ કરવાના બંધ થઈ ગયા હતા અને થોડી જ વારમાં મોબાઈલ શરૂ થઈ ગયો હતો.

યુવકે બેલેન્સ ચેક કરતા તેના એકાઉન્ટમાં રહેલા ૭૦ હજાર રૂપિયાનું ટ્રાન્જેકશન અલગ અલગ એકાઉન્ટમાં થયાનું માલૂમ પડયું હતું. આ અંગે યુવકે સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને બનાવની જાણ કરી અને બાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફલેશ મેસેજથી કેવી રીતે ઠગાઈ આચરવામાં આવે છે
ફલેશ મેસેજ મોકલીને ઠગાઈ કેવી રીતે આચરવામાં આવી રહી છે તે અંગે જો સાયબર નિષ્ણાંતોની વાત માનીએ તો માલવેર વાયરસ જેવા બીજા વાયરસ યુક્ત ફલેશ મેસેજ મોકલવામાં આવતો હોય છે. વ્યક્તિ ઉતાવળ અને ચિંતામાં તે ફલેશ મેસેજને વાંચવા માટે થઈને તેને ઓપન કરે છે.

એટલે મેસેજમાં રહેલો વાયરસ મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ જતો હોય છે. બાદમાં વાયરસ તેનું કામ કરવા લાગે છે અને મોબાઈલ સિસ્ટમ અપડેટ પર જતો રહે છે અને મોબાઈલના કોઈપણ તમામ ફંકશન કામ કરવાના બંધ કરી દેતા હોય છે.

આ સમયે સાયબર ગઠિયાઓ વ્યક્તિના મોબાઈલમાં રહેલી બેન્કીંગ એપ્લિકેશન થકી એકાઉન્ટમાં રહેલા રૂપિયા અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હોય છે અથવા તો ઓનલાઈન શોપિંગ કરી લેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.