મેમુ ટ્રેનને મણિનગર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા માંગ
પ્રતિકાત્મક
બાવીસગામ લેઉવા પાટીદાર સમાજે રજૂઆત કરી -આણંદ, ખંભાત, ડાકોરની મેમુ ટ્રેનને મણિનગર સ્ટોપેજ આપો
(એજન્સી)અમદાવાદ, ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા, કોલેજોના વિદ્યાર્થી સહિત મધ્ય ગુજરાતના ર લાખથી વધુ લોકો અમદાવાદમાં રહે છે છતાં તેમને અપ-ડાઉન કરવા કે વતન આણંદ, પેટલાદ, ખંભાત અને ડાકોર જેવા માત્ર એક માત્ર વિકલ્પરૂપે માત્ર એસટી બસ છે.
આથી બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદ વિભાગે આણંદ-ખંભાત, આણંદ-ડાકોર અને આણંદ-ગોધરા વચ્ચે નિયમિત રીતે દોડતી મેમુ ટ્રેનને મણિનગર સુધી સ્ટોપેજ આપવા માગણી કરી છે.
બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદના પ્રમુખ હિતેષ પટેલે જણાવ્યું કે, બસમાં ભીડ, ટ્રાફિક અને ભાડામાં વધારો થવાને કારણે મુસાફરોને સમય અને પૈસાનો વધારાનો ભાર પડે છે. તેની સામે રેલવે દ્વારા આણંદ-ડાકોર અને આણંદ-ગોધરા વચ્ચે મેમુ ટ્રેનો નિયમિત ચાલે છે. પરંતુ આ ટ્રેનો આણંદથી આગળ અમદાવાદ સુધી આવતી નથી.
આ કારણે શહેરના મણિનગર, વસ્ત્રાલ, સીટીએમ, વટવા, ઈસનપુર સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને અમદાવાદથી આણંદ, પેટલાદ, ખંભાત, ડાકોર સુધી પહોંચવા માટે અને નોકરિયાતોને અપ-ડાઉન કરવા માટે એસટી બસ, ખાનગી વાહન કે પોતાના વાહન પર જ આધાર રાખવો પડ છે. આ વિસ્તારમાં હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો રોજ આવ-જા કરે છે.
તેમને એસટી બસમાં વધારે ભાડું ચૂકવીને પણ ભીડ વચ્ચે ધક્કામૂક્કી સાથે મુસાફરી કરવી પડે છે. જો આ મેમુ ટ્રેન સીધી મણિનગર કે વટવા સુધી લંબાવવામાં આવે તો લોકોનો મુસાફરીનો સમય અને ખર્ચ બન્ને અડધો થઈ જશે. એ જ રીતે ડાકોર દર્શને જતા લોકોને ટ્રેનનો વિકલ્પ પણ મળી રહેશે.
