Western Times News

Gujarati News

ટેરિફથી અબજો ડોલરની કમાણી થઈ છે, તેનો વિરોધ કરનાર મૂર્ખ છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન ડીસી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રથ સોશિયલ પર દાવો કર્યાે છે કે ટેરિફથી અબજો ડોલરની કમાણી થઈ રહી છે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે આ કમાણીમાંથી અમીરોને છોડીને દરેક અમેરિકન નાગરિકને ૨૦૦૦ ડોલર (લગભગ ૧.૭ લાખ રૂપિયા)નું ‘ડિવિડન્ડ’ મળશે.

પ્રમુખ ટ્રમ્પ ટેરિફની ટીકા કરનારાઓને મૂર્ખ ગણાવ્યા અને કહ્યું કે, ટેરિફની વિરુદ્ધ બોલનાર મૂર્ખ છે. અમારી સરકારે અમેરિકાને વિશ્વનો સૌથી અમીર અને સન્માનિત દેશ બનાવી દીધો છે, જ્યાં મોંઘવારી નહીંવત છે અને શેરબજાર વિક્રમસ્તર પર છે. જોકે, ટ્રમ્પે એ નથી જણાવ્યું કે આ પ્રોફિટ કોને મળશે.

તેની પાત્રતા કે માપદંડો શું હશે? અર્થાત આવકમર્યાદા કેટલી હશે? તેમજ નાગરિકોને ડિવિડન્ડ ક્યારે મળશે? આ સમયમર્યાદાની માહિતી પણ ટ્રમ્પે આપી નથી.

અહીં નોંધવું રહ્યું કે આવું પહેલીવાર નથી કે ટ્રમ્પે આવું વચન આપ્યું છે. ઓક્ટોબરમાં ટ્રમ્પે ૧૦૦૦થી ૨૦૦૦ ડોલરન છૂટનો સંકેત આપ્યો હતો.આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫માં લગાવેલા ટેરિફ(૧૦ ટકાથી ૫૦ ટકા) અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસે તર્ક આપ્યો હતો કે ૧૯૭૭ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિને વ્યાપાર કંટ્રોલ કરવાની શક્તિ છે, જેમાં ટેરિફ લગાવવાની બાબત પણ સામેલ છે.

અહીં નોંધવું રહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે. આ બાબતને લઈને ટ્રમ્પનું કહેવું છે કે બીજા દેશો આપણા પર ટેરિફ લગાવી શકે છે પરંતુ આપણે તેમના પર લગાવી શકીએ નહીં.

ફક્ત ટેરિફને લીધે જ વ્યવસાય અમેરિકામાં આવી રહ્યા છે. ટેરિફ સિવાય આપણી પાસે કશુંય પણ નથી. શું સુપ્રીમ કોર્ટ આ વાત સમજી શકતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.