૩૩% મહિલા અનામતના અમલ મામલે સુપ્રીમની કેન્દ્રને નોટિસ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપનાર નારી શક્તિ વંદન કાયદો-૨૦૨૩ને ત્વરિત લાગુ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
આ અરજી કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં નારી શક્તિ વંદન કાયદાને સીમાંકન અને વસ્તી ગણતરી જેવી પૂર્વ શરતો વિના લાગુ કરવાની માંગ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવીને પૂછ્યું કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપનાર કાયદો લગભગ ક્યારથી લાગુ થશે? જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદો લાગુ કરવાનું ક્ષેત્ર કારોબારીનું છે, પરંતુ કોર્ટે આ અનામતના ઉદ્દેશ્યની પ્રશંસા કરીને કહ્યું કે આ મહિલાઓની રાજકીય સમાનતા સાથે જોડાયેલું પગલું છે. જસ્ટિસ બીવી નાગરત્નાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, આ મહિલાઓની રાજકીય સમાનતાનો મામલો છે.
મહિલાઓ દેશની સૌથી મોટી લઘુમતી છે. સરકાર કદાચ, આ કાયદાને વૈજ્ઞાનિક આંકડાના આધારે લાગુ કરવા ઈચ્છે છે અને હાલ એવું લાગી રહ્યું છે કે પ્રક્રિયા ઉચિત દિશામાં આગળ વધી રહી છે.SS1MS
