Western Times News

Gujarati News

ચૂંટણીપંચની “બુક અ કોલ વિથ BLO” પર 10,204 નાગરિકોએ મેળવી મદદ

આવેલા કોલ્સ પૈકી 6,239 નાગરિકોને બુથ લેવલ ઓફિસર દ્વારા ત્વરિત માર્ગદર્શન

ગુજરાતનો કોઈપણ મતદાર ECINET વેબસાઈટ પર જઈને BLO સાથે કોલ બુક કરી શકે

Ahmedabad, સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.

આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથ BLO’. આ સુવિધા એટલે મતદારોને SIR વિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો ઘરે બેઠા જવાબ મેળવવાનો સૌથી સરળ માર્ગ.

રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ ન રહે તેવા ધ્યેય સાથે હાલરાજ્યભરમાં બુથ લેવલ ઓફિસર્સ (BLO) ખૂબ જહેમત ઉઠાવી ઘરે-ઘરે પહોંચીને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરી નાગરિકોને આ ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

તા. 10.11.2025 સુધીમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ ‘ecinet’ વેબસાઈટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જે પૈકી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઓફિસર દ્વારા માત્ર 48 કલાકના ટૂંકાગાળામાં સંપર્ક કરીને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે અન્ય નાગરિકોનો સંપર્ક સાધવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.

કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO

• સૌથી પહેલા ecinet.eci.gov.in પર જાઓ

• હોમ પેજ પર દેખાતા બુક અ કોલ વિથ BLO વિકલ્પ પર ક્લિક કરો

• રજિસ્ટર્ડ મોબાઈલ નંબર/ EPIC નંબર નાંખી, OTP મેળવો

• ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો દર્શાવવામાં આવશે

• અંતે “બુક અ કોલ વિથ BLO” પર ક્લિક કરી કન્ફોર્મ કરો

તદુપરાંત એન્યુમરેશન ફોર્મ પર બુથ લેવલ ઓફિસરનો નંબર પણ આપવામાં આવે છે. જેના પર સંપર્ક કરીને મતદાર માર્ગદર્શન મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.