રાજ્યના કુલ મતદારોના આશરે 10 ટકાથી પણ વધુ એટલે કે ૬૨.૫૯ લાખ મતદારો માત્ર અમદાવાદ જિલ્લામાં
પ્રતિકાત્મક
ખાસ સઘન મતદાર યાદી સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અઢી કરોડ જેટલાં યુનિક એન્યુમરેશન ફોર્મ છપાવાયાં: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમાર
વર્ષ-૧૯૫૧માં દેશની સૌ પ્રથમ ચૂંટણી બાદ નવમી વખત ખાસ સઘન મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરાયું
મતદાર યાદીમાંથી ગેરલાયક નામો દૂર કરી, દેશના પ્રત્યેક લાયક મતદારનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવાનું મહાઅભિયાન
Ahmedabad, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન (Special Intensive Revision – SIR) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યના મતદારોની કુલ સંખ્યાના આશરે ૧૦ ટકાથી પણ વધુ એટલે કે ૬૨.૫૯ લાખથી પણ વધારે મતદારો માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા છે. આ તમામ મતદારો માટે આશરે અઢી કરોડ જેટલાં પાનાંનાં યુનિક એન્યુમરેશન ફોર્મ પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છપાવવામાં આવ્યાં છે.
આ અંગે સમજણ આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક લાયક નાગરિકનું નામ મતદારયાદીમાં સમાવવાની સાથે ગેરલાયક નામો દૂર કરવાનો છે.
રાજ્ય વિધાનસભાની કુલ ૧૮૨માંથી ૨૧ વિધાનસભા મતવિસ્તારો અમદાવાદ જિલ્લામાં આવેલા છે. જેના માટે કુલ ૫૫૨૪ મતદાન મથકોમાં કુલ ૬૨,૫૯,૬૨૦ મતદારો નોંધાયેલા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર આ કામગીરી આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ સુધી ચાલશે. જે અંતર્ગત ૦૪ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા દરેક ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યાં છે તેમજ મતદારોને આ ફોર્મ ભરવામાં મદદ પણ કરવામાં આવી રહી છે.
જેઓનાં માતા-પિતાનું નામ વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં સમાવાયેલ હશે, તેવા મતદારોને ફક્ત વિગત દર્શાવવાની રહેશે – કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. આ પ્રકારે, બીએલઓ દરેક ઘરે ત્રણ વખત જશે. આમ, મતદાર યાદી સુધારણા માટે સંપૂર્ણ પારદર્શક અને સચોટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નવું નામ ઉમેરવા માટે ૧૮ વર્ષ પૂર્ણ કરેલા નાગરિકોએ ફોર્મ-૦૬, જ્યારે સ્થળાંતરિત મતદારો ફોર્મ-૦૮ ભરી શકશે. આ માટે ઓનલાઇન પ્રક્રિયા પણ અનુસરી શકાશે.
આ સંદર્ભે કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા મતદારોને અપીલ પણ કરવામાં આવી હતી તેમજ નાગરિકોને માત્ર ભારતીય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદ અથવા મતદાર નોંધણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, મતદારો કોઈ પણ પ્રકારની મદદ માટે જિલ્લા સંપર્ક કેન્દ્રનો ૧૯૫૦ નંબર પર સંપર્ક કરી શકે છે અથવા વધુ માહિતી માટે voters.eci.gov.in, ceo.gujarat.gov.in વેબસાઇટ્સ તથા ECI SVEEP અને CEO Gujarat ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સની મુલાકાત પણ લઈ શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
