દિલ્હી બ્લાસ્ટની તપાસ NIAને સોંપાઈ: ડો.ઉમરના ભાઈ, માતા-પિતા કસ્ટડીમાં;
ફરીદાબાદથી અરેસ્ટ થયેલી ડૉ. શાહીન જૈશની મહિલા વિંગની હેડ -પુલવામાથી ડો. ઉમરના મિત્ર ડો. સજ્જાદની ધરપકડ
(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ૧૦ નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર ૩૦૦ મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં ૮ લોકોના મોત થયા હતા,
જેનો મૃત્યુઆંક આજે વધીને ૧૩ પર પહોંચી ગયો છે. હવે આ ગંભીર કેસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના અેંગલથી તપાસ શરૂ કરશે.અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ એનઆઈએને સોંપી દીધી છે. મંગળવારે (૧૧મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ એનઆઈએ પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર, દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને ૧૨ થઇ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે.
માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે.
સોમવારે સાંજે દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ લગભગ ૨૦ કલાક પછી એનઆઈએને સોંપવામાં આવી હતી. દરમિયાન, મંગળવારે મૃતકોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં બે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. બાકીના લોકોની ઓળખ એફએસએલ ટેસ્ટથી કરવામાં આવશે. ૨૦ ઘાયલોની સારવાર ચાલુ છે.
સોમવારે સાંજે લગભગ ૬ઃ૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે થયેલા વિસ્ફોટમાં વપરાયેલી સફેદ આઈ-૨૦ કારના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. મેટ્રો સ્ટેશન ર્પાકિંગમાંથી બહાર નીકળતી વખતે કાળો માસ્ક પહેરેલો એક વ્યક્તિ કારમાં બેઠો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા વ્યક્તિનું નામ પુલવામાના રહેવાસી ડૉ. મોહમ્મદ ઉમર નબી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેણે વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ડીએનએ પરીક્ષણ માટે પુલવામામાં તેના માતા-પિતા અને બે ભાઈઓની અટકાયત કરી છે. ઉમરના મિત્ર ડૉ. સજ્જાદની પણ પુલવામામાં અટકાયત કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
દરમિયાન, હરિયાણાના ફરીદાબાદમાં ડૉ. શાહીન શાહિદ નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, શાહીન ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનતની હેડ હતી. પાકિસ્તાનમાં આતંકવાદી અઝહર મસૂદની બહેન, સાદિયા, તેની હેડ છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કર્યો છે.
તેમાં ખુલાસો થયો છે કે ડૉ. મોહમ્મદ ઉમર નબી મેટ્રો સ્ટેશન ર્પાકિંગ-૧માં લગભગ ત્રણ કલાક સુધી હાજર રહ્યો હતો. ર્પાકિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ દ્વારા આ માહિતી બહાર આવી છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, લાલ કિલ્લા વિસ્ફોટનો ગુનેગાર ડૉ. મોહમ્મદ ઉમર નબી ત્રણ દિવસથી ભૂગર્ભમાં હતો. તેને ખબર પડી હતી કે જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલની ધરપકડ કરી છે.
ત્યારથી તે ગુમ હતો. તેણે પોતાનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો અને તેના પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો. દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ, ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. એસએસબીએ ભારત-નેપાળ સરહદ પર મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
એસએસબી કમાન્ડન્ટ ગંગા સિંહ ઉમાનવતે જણાવ્યું હતું કે ઘૂસણખોરીના પ્રયાસોની શક્યતા હોય તેવા સ્થળોએ સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. નિરીક્ષણ ચોકીઓ વધારી દેવામાં આવી છે. ખાસ પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
સંપૂર્ણ તપાસ પછી જ લોકોને સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. એનઆઈએએ જણાવ્યું કે દિલ્હી વિસ્ફોટોની તપાસ શરૂ થઈ ગઈ છે એનઆઈએએ જણાવ્યું કે દિલ્હી પોલીસે દિલ્હી વિસ્ફોટોની તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે. ઘટના પછીથી તપાસ એજન્સી દિલ્હી પોલીસ સાથે નજીકથી કામ કરી રહી છે. રવિવાર અને સોમવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદ અને ઉત્તરપ્રદેશના લખનઉથી ૨,૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા.
આ કાર્યવાહીમાં ફરીદાબાદના ડોક્ટર ડૉ. મુઝમ્મિલ શકીલ અને લખનઉની મહિલા ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. મુઝમ્મિલ શકીલના રૂમમાંથી ૩૬૦ કિલો વિસ્ફોટકો અને એક એસોલ્ટ રાઇફલ મળી હતી. આ દરમિયાન કાશ્મીરમાં એક મહિલા ડૉક્ટર શાહીનની કારમાંથી એક એકે-૪૭ રાઇફલ અને જીવંત દારૂગોળો મળ્યો હતો. ડૉ
. મુઝમ્મિલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો. તે પુલવામાના કોઇલનો રહેવાસી છે. ડૉ. શાહીન તેની ગર્લફ્રેન્ડ છે. મુઝમ્મિલ ડૉ. શાહીનની કારનો ઉપયોગ કરતો હતો. તેણે ત્રણ મહિના પહેલાં ફરીદાબાદના ધૌજ ગામમાં એક રૂમ ભાડે લીધો હતો, જોકે તેના મકાનમાલિકે જણાવ્યું હતું કે મુઝમ્મિલ ત્યાં રહેતો નથી અને તેણે ફક્ત પોતાનો સામાન રાખવા માટે રૂમ ભાડે રાખ્યો હતો.
અગાઉ ૭ નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીર પોલીસે ઉત્તરપ્રદેશના સહારનપુરથી ડૉ. આદિલ અહેમદની ધરપકડ કરી હતી. તે અનંતનાગનો રહેવાસી છે. આદિલ અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ કરતો હતો.
