આતંકીઓએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટને નિશાન તરીકે કેમ પસંદ કર્યું હતું?
File Photo
અમદાવાદ, દિલ્હી કાર બ્લાસ્ટને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત એટીએસ ટીમ દિલ્હી જઈને કેસની તપાસ કરશે. કાર બ્લાસ્ટ પહેલા ગુજરાત એટીએસ એ ત્રણ આતંકી ઝડપ્યા છે. પકડાયેલા આતંકીઓનું કાર બ્લાસ્ટ સાથે કનેક્શન હોવાની શંકાએ તપાસ કરાશે.
દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ વિસ્ફોટ પછી સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ જ તપાસની કડીમાં ગુજરાત એટીએસ પણ સક્રિય થઈ છે અને રાજ્યમાંથી પકડાયેલા આતંકીઓને લઈને મહત્ત્વની માહિતી બહાર આવી છે.
ગુજરાત એટીએસના તાજેતરના નિવેદન અનુસાર, પકડાયેલા આતંકીઓનો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ સાથે કોઈ સીધું કનેક્શન નથી. તેમ છતાં, તેમની પ્રવૃત્તિઓ અને સંપર્કોને આધારે અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ ચાલી રહી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આતંકીઓએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટને નિશાન તરીકે પસંદ કર્યું હતું. એ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત હોય છે, એટલે આતંકીઓ મોટી જાનહાનિને અંજામ આપવાની ફિરાકમાં હતા તેમ કહી શકાય. આ ખબર સામે આવ્યા બાદથી પોલીસે તરત જ નરોડા ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં ચેકિંગ અને સુરક્ષા કડક કરી દીધી છે.
એટીએસના સૂત્રો મુજબ, પકડાયેલા ત્રણેય આતંકી બીજી વખત અમદાવાદ આવ્યા હતા. પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે સ્થળની રેકી કરી હતી, જ્યારે બીજી મુલાકાત દરમિયાન યોજના અમલમાં મૂકવાની તૈયારી હતી.
તપાસમાં ખુલ્યું છે કે યુપીના આતંકી આઝાદ અને સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન દ્વારા વિવિધ ટાસ્ક આપવામાં આવતા હતા. તે જ રીતે આતંકી અહેમદ સૈયદને પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાએ હાઈવે પર બેગ લેવા માટે નિર્દેશ આપ્યો હતો.
આતંકીઓએ અગાઉ રાજસ્થાનથી ૧ લાખ ભરેલી બેગ મેળવીને તે કલોલ હાઈવે પર મૂકી હતી. તે પછી આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદથી આવી તે બેગ લેવા પહોંચ્યો હતો, જે બાદ એટીએસએ સમગ્ર નેટવર્ક પર કડક નજર રાખી તપાસ શરૂ કરી.
આ આતંકીઓ અને તેમના પાકિસ્તાની હેન્ડલરો વચ્ચેનો સંપર્ક ટેલીગ્રામ એપ મારફતે ચાલતો હતો, જેથી સુરક્ષા એજન્સીઓને તેમની વાતચીતને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડતી હતી.
આ તપાસ દરમિયાન ભારતમાં આઈએસઆઈએસના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનું પણ બહાર આવ્યું છે. એટીએસ અને કેન્દ્રની એજન્સીઓ હવે આ સ્લીપર સેલની ચેઇન તોડવા માટે સંકલિત ઓપરેશન હાથ ધરવાની તૈયારીમાં છે. આ ખુલાસા બાદ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, ભરૂચ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સુરક્ષા ચેકિંગ વધુ કડક બનાવાયું છે. જાહેર સ્થળો, બજારો અને ટ્રાન્સપોર્ટ હબ પર પોલીસની પેટ્રોલિંગ અને દેખરેખ વધારાઈ છે.
