Western Times News

Gujarati News

હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.૩૨ લાખથી વધુની છેતરપિંડી

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ -નાઇજિરિયન સહિત છની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ગેંગ પર અમદાવાદના એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.૩૨ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. પોલીસે મુંબઈ અને બેંગલુરુથી નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી સહિત કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશકુમાર સરોજની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી નિહાર વર્માનો કેટલાક શખ્સોએ આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ ભારતમાં ‘યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ’ નામની હોમિયોપેથિક દવાના સપ્લાયરની શોધમાં છે, જેનો કથિત ઉપયોગ આફ્રિકામાં મેલેરિયા અને ડેન્ગ્યુની સારવારમાં થાય છે.

આરોપીઓએ વર્માને એક નફાકારક બિઝનેસના પ્રસ્તાવની લાલચ આપી હતી. જેમાં તેમને શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ નામના ભારતીય વિક્રેતા પાસેથી ઇં૬,૫૦૦ પ્રતિ લિટરના ભાવે દવા ખરીદીને તે જ દવા ‘આફ્રિકન ખરીદદાર’ને ઇં૧૧,૦૦૦ પ્રતિ લિટરે વેચવાની ઓફર કરાઈ હતી.

શરુઆતમાં નિહાર વર્માને વિશ્વાસ અપાવવા માટે શર્મા એન્ટરપ્રાઇઝના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જયદેવ નામના વ્યક્તિએ એક લિટર લિક્વિડનું પાર્સલ મોકલ્યું. નિહાર વર્મા દિલ્હીમાં એક કથિત આફ્રિકન લેબ સાયન્ટિસ્ટને પણ મળ્યા, જેણે સેમ્પલને ‘મંજૂરી’ આપી દીધી.

ત્યારબાદ વિશ્વાસમાં આવી નિહાર વર્માએ મોટો ઓર્ડર આપ્યો અને ઍડ્‌વાન્સ પેમેન્ટ તરીકે રૂ.૨૭ લાખ આરોપીઓ દ્વારા શેર કરાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. જોકે, જ્યારે તેઓ કન્સાઇનમેન્ટ લેવા રાજસ્થાનના ભીલવાડા ગયા, ત્યારે તેમને જાણ થઈ કે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નિહાર વર્માએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.