Western Times News

Gujarati News

ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત

વન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ :  ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું

અમદાવાદ: ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે.

આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ  માનવજીવન બચાવવાનો છે, જેથી તાત્કાલિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગો મળી શકે. વેન્ચુરા એરકનેક્ટની આ નવી પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV (દેવ વિમાન) તરીકે ઓળખાય છે — જે નામ પ્રમાણે જ “દેવદૂત” બનીને જીવ બચાવવાનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરતને પૂર્ણ એરપોર્ટ સુવિધા ઉપલબ્ધ ન હતી, ત્યારે સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ એ વર્ષ ૨૦૧૪માં આ હવાઈ સેવા શરૂ કરી હતી. છેલ્લા ૧૧ વર્ષથી કંપની ગુજરાતમાં સફળતાપૂર્વક સેવા આપી રહી છે.

વેન્ચુરા એરકનેક્ટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઈ માર્ગે જોડ્યા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપનીના પ્રમોટર્સ દ્વારા સતત નવા નવા ઇનિશિયેટિવ લેવામા આવતા હોય છે.

ત્યારે આ નવી “ઓર્ગન ટ્રાન્સફર એર સર્વિસ” સાથે “વેન્ચુરા એરકનેક્ટે”  ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.