જેતડા પાસેથી પોલીસે ૯૯.૭ કિલો પોષડોડા સાથે બે જણાને પકડી પાડ્યા
થરાદ , થરાદ પોલીસે શંકાસ્પદ દેખાતી એક કારને જેતડા પાસે ઊભી રખાવી તપાસ હાથ ધરી હતી. જેમાં કારની લગાવેલી નંબર પ્લેટ ખોટી હતી. તેમજ અંદર તપાસ કરતાં કારના વચ્ચેના ભાગમાંથી ૧ બોરો તેમજ ડેકીમાંથી ૪ બોરા ભરીને પોષડોડા મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ ૯૯.૭૦૦ કિલોગ્રામ પોષડોડા સાથે બે જણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ પોલીસ મથકનો સ્ટાફ જેતડા-રાહ ત્રણ રસ્તા નજીક જેતડા ડેરી આગળ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક સફેદ કલરની કિયા કાર આવતાં જે શંકાસ્પદ જણાતાં રોકાવી હતી. કારમાં બે લોકો બેઠેલા હતા.
પોલીસે કારની તપાસ કરતાં તેના વચ્ચેના ભાગેથી એક બોરો અને ડેકીમાંથી ચાર બોરા મળી આવ્યા હતા. આમ કુલ પાંચ બોરામાંથી રૂ.૧૪,૯૫,૫૦૦ની કિંમતનો માદક પદાર્થ પોષડોડાનો ૯૯.૭૦૦ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો.
જ્યારે પોલીસે કારચાલક કાળુરામ ઘનારામ બિશ્નોઈ (રહે. રાજસ્થાન) અને ઓમપ્રકાશ ઘીમારામ જાણી (રહે. રાજસ્થાન)ને ઝડપી લઈ. પોલીસે પોષ ડોડા તેમજ રૂ. ૧૫૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ અને રૂ. ૧૦ લાખની કિંમતની કાર મળી કુલ રૂ.૨૫,૧૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કિયા કાર પર લગાવેલ નંબર પ્લેટ ખોટી હતી.
પોલીસે ઝડપેલા બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.SS1MS
