ગુજરાત વિદ્યાપીઠની “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત ઉચ્છલ ખાતે કાર્યક્રમ યોજાયો
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
Ø શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે
Ø પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીન ફરી ઉપજાઉ બનશે, પાણીનું સ્તર વધશે અને આપણું આરોગ્ય પણ સુરક્ષિત રહેશે
Ø પૂજ્ય બાપુનો ‘સ્વદેશી‘નો નારો માત્ર એક આંદોલન નહીં, પરંતુ ભારતના આત્માને જીવંત રાખવાનો માર્ગ છે
Ø વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ, સ્વદેશી ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન*
ભારતની સ્વતંત્રતા, સ્વદેશી વિચારધારા અને આત્મનિર્ભરતાના મૂલ્યોને ગ્રામ્ય સ્તરે પહોંચાડવા માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત આજે તાપી જિલ્લાની સાર્વજનિક હાઈસ્કૂલ, ઉચ્છલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા ૧૯૨૦ માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠનો ઉદ્દેશ જ્ઞાન આપવાની સાથે રાષ્ટ્રપ્રેમ, સ્વદેશી અને સ્વાવલંબનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો હતો. બાપુએ ઈચ્છ્યું હતું કે, આ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને સમાજ ઉત્થાન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે.
તેમણે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અને સ્વદેશી જીવનશૈલીના મહત્વ વિશે સમજણ પૂરી પાડતા જણાવ્યું કે, આજના સમયમાં રાસાયણિક ખેતીના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે, પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને માનવ આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. જો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવીશું, ગૌ આધારિત જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરીશું, તો જમીન ફરી ઉપજાઉ બનશે, પાણીનું સ્તર વધશે અને આપણું આરોગ્ય પણ સુરક્ષિત રહેશે.
વિદ્યાર્થીઓને અપીલ કરી કે, તેઓ પોતાના ગામમાં જઈને માતાપિતાને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ માટે વિનામૂલ્યે તાલીમ આપે છે, જેના માટે દરેક ગામમાં “કિસાન મિત્ર” અને “કૃષિ સખી” કાર્યરત છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને સ્વદેશી વિચારધારાને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપતા કહ્યું કે, પૂજ્ય બાપુનો ‘સ્વદેશી‘નો નારો માત્ર એક આંદોલન નહીં, પરંતુ ભારતના આત્માને જીવંત રાખવાનો માર્ગ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મિશન ‘વોકલ ફોર લોકલ’ એ જ વિચારધારાને પુનર્જીવિત કરે છે. જો આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું, તો દેશના પૈસા દેશમાં જ રહેશે, અને ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ઉદાહરણ આપી સમજાવ્યું કે, રોજિંદા જીવનની નાની બાબતોમાં પણ સ્વદેશી અપનાવી શકાય છે. જેમ કે, દાતણ, પ્રાકૃતિક ખોરાક, ખાદી, માટીના વાસણો, લોકલ ફર્નિચર, હેન્ડલૂમ જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીને આપણે ભારતીય ગ્રામ્ય ઉદ્યોગોને ટેકો આપી શકીએ છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશની સમૃદ્ધિ મોટા શહેરોમાં નહીં, પરંતુ ગામડાઓના સ્વાવલંબનમાં છુપાયેલી છે. જ્યારે દરેક ગામ સ્વસંપન્ન બનશે, ત્યારે ભારત વિશ્વગુરુ બનશે.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, વિદ્યા એ દુનિયાનું સર્વોત્તમ ધન છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે. શિક્ષણ એ આપણા જીવનને સુસંસ્કારિત અને સમૃદ્ધ બનાવવાનું સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને ગુરુજનોનો આદર રાખવા, માતા-પિતાની સેવા કરવા અને શિસ્તપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સરદાર પટેલે દેશને એકતા અને અખંડતાના સૂત્રમાં બાંધ્યો હતો, જ્યારે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના સ્વાભિમાન અને સ્વરાજ માટે આંદોલન ચલાવ્યું હતું. આ બન્ને મહાનુભાવોથી આપણે શીખવું જોઈએ કે રાષ્ટ્ર માટે ત્યાગ અને સેવાભાવ જ સાચો ધર્મ છે.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ લીધો છે. આજની પેઢી ભવિષ્યમાં આ સંકલ્પને સાકાર થતો જોશે. માટે, આજથી જ આપણે સૌએ સ્વદેશી, સ્વાવલંબન અને સ્વચ્છતા દ્વારા આ મિશનમાં જોડાવું જોઈએ.
કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, તાપી કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, ડીડીઓ રામનિવાસ બુગલિયા,નિઝર પ્રાંત ઓમકાર સિંધે અને શિક્ષણવિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
