Western Times News

Gujarati News

મ્યુનિ. રીઝર્વ પ્લોટમાં CCTV લગાવવા કમિશનરની તાકિદ

કોન્ટ્રાકટ પર લેવામાં આવેલા કર્મચારીઓ પૈકી માત્ર ૬૦ ટકા કર્મચારીઓ જ હાજરી ભરે છે આ મામલે પણ કમિશનરે અનેક વખત સુચના આપી હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રીઝર્વ પ્લોટમાં થતા દબાણો તેમજ જાહેર માર્ગ પર થતા દબાણો મામલે કમિશનરે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનરને ખાસ સુચનાઓ આપી હતી આ ઉપરાંત મ્યુનિ. એસ્ટેટ ઓફિસર દ્વારા વિકાસના કામોમાં પ્લોટ ફાળવણી મામલે પણ ઠાંગાઠૈયા કરવામાં આવતા હોવાથી કમિશનરે નારાજગી વ્યકત કરી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડીમોલેશન સહિત તમામ કામગીરીને અપડેટ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. પરંતુ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર (એસ્ટેટ) દ્વારા આ કામગીરી સમયસર અપડેટ કરવામાં આવી ન હોવાથી રીવ્યુ બેઠકમાં કમિશનરે તેમની સામે નારાજગી દર્શાવી હતી તથા આ મામલે ફરીથી ભુલ ન થાય તે બાબતની ટકોર પણ કરી હતી.

મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં દબાણ થતા હોવાથી કમિશનરે સીસીટીવી લગાવવા સુચના આપી છે તેમજ તેનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવા પણ ખાસ તાકીદ કરી છે. મ્યુનિ. એસ્ટેટ ઓફિસર દ્વારા યુ.ડી.ના પ્રોજેકટ માટે જમીન ફાળવવા માટે અનેક વાંધા જાહેર કરવામાં આવે છે જેના કારણે જે તે પ્રોજેકટમાં વિલંબ થાય છે તેથી રીવ્યુ બેઠકમાં કમિશનરે તેમને આડા હાથે લેતા કહયું હતું કે કોર્પોરેશનની જ જમીન છે અને કોર્પોરેશનનો જ પ્રોજેકટ છે તો પછી વારંવાર વાંધા રજુ કરી વિલંબ થાય તેવા કામ શા માટે કરો છો ?.

અર્બન ડેવલોપમેન્ટના પ્રોજેકટ અપડેટ કરવા અંગે ડેપ્યુટી કમિશનર આર્જવ શાહને પણ કમિશનરે તાકીદ કરી હતી કે જે કામો થયા ન હોય તે જ કામોની વિગત રજુ કરો તેમજ પહેલા સાંભળો, સમજો અને ત્યારબાદ જ જવાબ આપો. કોન્ટ્રાકટ પર લેવામાં આવેલા કર્મચારીઓ પૈકી માત્ર ૬૦ ટકા કર્મચારીઓ જ હાજરી ભરે છે આ મામલે પણ કમિશનરે અનેક વખત સુચના આપી હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી.

દિવાળી બાદ રોડ કામમાં ઝડપ આવી છે કે કેમ તે બાબતે સવાલ કરતા સીટી ઈજનેરે જણાવ્યું હતું કે હાલ પુરતી માત્રામાં માલનો વપરાશ થઈ રહયો છે અને રાત્રિના સમયે પણ રોડના કામ ચાલુ છે તેથી કમિશનરે સંતોષ વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.