Western Times News

Gujarati News

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચનાઃ સોમ-મંગળ જનતાને મળો

File

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ બેઠકો ન બોલાવવી અને તે દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા.

આ ઉપરાંત, તમામ પ્રભારી મંત્રીઓને ૩૦ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કરવા અને ખાસ કરીને રોડ-રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે તેમના સાથી મંત્રીઓને નિશ્ચિત માર્ગદર્શિકા આપી છે. મુખ્યમંત્રીની આ કડક સૂચનાઓનો મુખ્ય હેતુ શાસનમાં પારદર્શિતા લાવવા અને પ્રજા સાથેનો સંપર્ક વધારવાનો છે.

મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સરકારી અથવા આંતરિક બેઠકો યોજવાનું ટાળવું. આ બંને દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓ (ધારાસભ્યો, સ્થાનિક નેતાઓ) ને મળવા માટે ફાળવવા, જેથી લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવી શકાય.

મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે મુલાકાત લેવા અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવા માટે સૂચના આપી છે. મંત્રીઓએ ૩૦ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક કરીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્‌સની સ્થિતિની સમીક્ષા કરવી પડશે. આ બેઠકોમાં ચાલુ વિકાસ કાર્યો, યોજનાઓની પ્રગતિ અને લોકોના પડતર પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ-રસ્તાઓની ગુણવત્તા અંગે વિશેષ કડકાઈ દર્શાવી છે. પ્રભારી મંત્રીઓને રોડ-રસ્તાઓ માટે અલગથી સમીક્ષા બેઠક બોલાવવાનો અને કામગીરીની ગુણવત્તા ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.