Western Times News

Gujarati News

UPSC: ‘સ્પીપા’ના ૪૯ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા

યુપીએસસી સીવીલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૫નું પરિણામ જાહેર: 

અમદાવાદ,  સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), જે ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે, તેના તાલીમાર્થીઓએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા ૨૦૨૫માં મોટી સફળતા મેળવી છે.

યુપીએસસી દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષા-૨૦૨૫નું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ઓગષ્ટ ૨૦૨૫માં યોજવામાં આવી હતી. સમગ્ર દેશમાંથી કુલ ૨,૭૩૬ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ (પર્સનાલિટી ટેસ્ટ) માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે.

સ્પીપાની સિદ્ધિ:

  • સ્પીપાના વર્ષ ૨૦૨૪-૨૫ના મુખ્ય પરીક્ષાના તાલીમવર્ગમાં જોડાયેલા ૨૭૨ ઉમેદવારોમાંથી કુલ ૪૯ ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા છે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં સ્પીપામાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થનાર તાલીમાર્થીઓની સંખ્યા કુલ ૧૬૦ હતી.
  • નોંધનીય છે કે સ્પીપાના એવા જૂના તાલીમાર્થીઓ કે જેમણે યુપીએસસી મુખ્ય પરીક્ષા ૨૦૨૫ પાસ કરી છે, તેઓ પણ સ્પીપાના પર્સનાલિટી ટેસ્ટના માર્ગદર્શનમાં જોડાઈ શકશે, જેથી ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

પ્રશિક્ષણ અને સહાય:

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨થી ‘સ્પીપા’ અમદાવાદ ખાતે “યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર” દ્વારા અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે.

  • સ્પીપા દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષાના પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને સાક્ષાત્કાર કસોટીના દરેક તબક્કા માટે વિના મૂલ્યે સઘન તાલીમ આપવામાં આવે છે.
  • સંસ્થાની લાઇબ્રેરીમાં ૫૦,૦૦૦ કરતાં પણ વધારે પુસ્તકો, મેગેઝીન અને ન્યૂઝ પેપર્સ ઉપલબ્ધ છે.
  • તાલીમાર્થીઓને પ્રોત્સાહન સહાય પણ પૂરી પાડવામાં આવે છે:
    • તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યા પછી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ. ૨,૦૦૦/- પ્રોત્સાહન સહાય.
    • યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ. ૨૫,૦૦૦/- અને યુવતીને રૂ. ૩૦,૦૦૦/- ની પ્રોત્સાહન સહાય.
    • યુપીએસસીમાં અંતિમ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ. ૫૧,૦૦૦/- અને યુવતીને રૂ. ૬૧,૦૦૦/- ની પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.