મુખ્યમંત્રીએ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ પેવેલિયન ખાતે પ્રસાદ ગ્રહણ કર્યો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત 2.0 અંતર્ગત તા.13 થી 21 મી નવેમ્બર, 2025 સુધી આયોજિત #AIBF2025 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ સ્ટોલ્સ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે.
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ તથા ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપરાંત સાહિત્યકારો અને મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે અમદાવાદ મ્યુ. કોર્પો. ના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ #AIBF2025 ખાતે વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ ચિલ્ડ્રન પેવેલિયન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચુઅલ પેવેલિયન ખાતે સંતો-મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરી સ્વાદ અને સંસ્કૃતિના સંગમરૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને પણ વધાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકો દ્વારા ‘વંદે માતરમ્’નું સમૂહ ગાન તેમજ સ્વદેશીને રોજિંદા જીવનનો ભાગ બનાવવા સાથે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપવા સ્વદેશીના સામૂહિક શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદની તૈયારી માટે તેમજ રમતવીરોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા કેનવાસ પર ‘અમદાવાદ ગુજરાત ‘કોમનવેલ્થ ગેમ્સ 2030’ માટે તૈયાર છે તે ગૌરવપૂર્ણ ક્ષણ છે’ સંદેશ લખી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત 2.0 અંતર્ગત તા.13 થી 21 મી નવેમ્બર, 2025 સુધી આયોજિત #AIBF2025 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ સ્ટોલ્સ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે.
આ પુસ્તકોના રસથાળની સાથોસાથ અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, તા.13 થી 16 નવેમ્બર, 2025 દરમિયાન સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G) ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાના શાકાહારી ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચારવિમર્શના સંયોગને ઉજવતો આ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ માત્ર ફૂડ ફેસ્ટિવલ નહીં, પરંતુ વિચાર અને સ્વાદનો મેળાવડો છે. ફૂડ ફોર થોટ ફેસ્ટ અવનવી વાનગીઓના શોખીનો અને મનોરંજન પ્રેમીઓને એકસમાન આનંદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષના ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોની ભાગીદારી રહેશે, જે આ ફૂડ ફેસ્ટિવલને આંતરરાષ્ટ્રીય રંગ આપશે.
