Western Times News

Gujarati News

આતંકવાદીઓનું કાવત્રુ દેશભરમાં ૩૨ કારોથી વિસ્ફોટનું ષડયંત્ર હતું

દિલ્હીના આતંકીઓ બાબરીનો બદલો લેવા માગતા હતાઃ  દિલ્હી બ્લાસ્ટની કાર આનો જ એક ભાગ હતી

(એજન્સી)નવી દિલ્હી, લાલ કિલ્લાની પાસે ૧૦ નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટની તપાસમાં ગુરુવારના રોજ મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો મુજબ આતંકવાદી ૬ ડિસેમ્બર, એટલે કે બાબરી મસ્જિદ તોડી પાડવાની વર્ષીના દિવસે દિલ્હી સહિત ઘણી જગ્યાઓએ વિસ્ફોટ કરવા માગતા હતા.

આના માટે તેમણે ૩૨ કારની તૈયારી કરી હતી. તેમાં બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી ભરીને બ્લાસ્ટ કરવાના પ્લાનમાં હતા. તેમાં બ્રેઝા, સ્વિફ્‌ટ ડિઝાયર, ઇકોસ્પોર્ટ અને ૈ૨૦ જેવી કાર સામેલ હતી. તપાસ એજન્સીઓને અત્યાર સુધી ૪ કાર જપ્ત કરી છે.

૧૦ નવેમ્બરના રોજ જે આઈ૨૦ કારમાં વિસ્ફોટ થયો હતો, તે આ જ સીરીયલ રિવેન્જ એટેકનો ભાગ હતી. બ્લાસ્ટથી અત્યાર સુધી ૧૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ૨૦ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણની હાલત નાજુક જણાવાઈ રહી છે.

દરમિયાન, કેન્દ્ર સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ આતંકવાદી હુમલા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પોલીસને શંકા છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં સામેલ આતંકવાદીઓ પાસે એક નહીં, પરંતુ બે કાર હતી. બુધવારે દિલ્હી અને પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં સર્ચ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

હરિયાણાના ખંડાવલી ગામ નજીકથી મળેલા વાહનની તપાસ માટે બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી ગઈ છે. વાહન હજુ સુધી સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહન આરોપી ઉમર નબીના ડ્રાઇવરની બહેનના ઘર પાસે મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાર મંગળવારથી ત્યાં હતી.

દિલ્હીને આતંકિત કરવાનું કાવતરું જાન્યુઆરીથી જ રચવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઇલ ડમ્પ ડેટા પરથી જાણવા મળ્યું છે કે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા સહાયક પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ ગનાઈ અને વિસ્ફોટમાં માર્યા ગયેલા ડો. ઉમર નબીએ જાન્યુઆરીમાં ઘણી વખત લાલ કિલ્લાની રેકી કરી હતી.

બંને ત્યાંની સુરક્ષા અને ભીડના પેટર્નને સમજી ચૂક્યા હતા. પોલીસને શંકા છે કે આતંકવાદીઓએ ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી હતી, જેને પછી નિષ્ફળ બનાવવામાં આવી હતી. નબી ૬ ડિસેમ્બરે દિલ્હી પર હુમલો કરવા માગતો હતો, પરંતુ મુઝમ્મિલની ધરપકડથી યોજના નિષ્ફળ ગઈ. આઠ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ માહિતી બહાર આવી.

આ આંતરરાજ્ય મોડ્‌યુલનું કેન્દ્ર ફરીદાબાદમાં હતું. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી છ ડોક્ટર છે. શ્રીનગરનો રહેવાસી ડૉ. નિસાર ફરાર છે. તે ડોક્ટર્સ એસોસિએશન ઓફ કાશ્મીરનો પ્રમુખ પણ છે અને અલ ફલાહમાં શિક્ષણ આપી રહ્યો હતો.

જમ્મુ અને કાશ્મીર સરકારે ડો. નિસારને બરતરફ કર્યો છે. વિસ્ફોટ કેસ સાથે સંબંધિત ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રીના કેસમાં એક નવો ખુલાસો થયો છે. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા કાશ્મીરી ડૉ. મુઝમ્મિલ ગનાઈ ભાડાના રૂમમાં ખાતરની થેલીઓ હોવાનો દાવો કરીને વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરી રહ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦ દિવસ પહેલા મુઝમ્મિલ રૂમમાં કેટલીક બોરીઓ રાખવા આવ્યો હતો, ત્યારે પડોશીઓએ તેને પૂછ્યું કે તેમાં શું છે? જવાબમાં મુઝમ્મિલે કહ્યું હતું કે આ ખાતરની થેલીઓ છે. આને કાશ્મીર લઈ જવા પડશે. આ રૂમથી ૧૦૦ મીટર દૂર એક ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે ફૂટેજ જપ્ત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.