પાલિતાણામાં સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓ પર જોખમ
File
બાળકોની સલામતી જોખમાય તે પહેલા સ્કૂલ અને તંત્રએ જાગૃતતા દાખવવી જરૂરી
પાલિતાણા, પાલિતાણા શહેરની સ્વનિર્ભર ખાનગી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં આવવા જવા માટે ગારીયાધાર રોડ, સ્ટેશન રોડ, તલાટી રોડ ઉપર જવું અનિવાર્ય છે. આથી સ્કૂલો દ્વારા સ્કૂલ બસ, રીક્ષા, ઈકો કે વાનમાં બાળકોને લાવવા લઈ જવામાં આવે છે.
આ સ્કૂલ વાહન નિયમ મુજબ ચાલે છે કે કેમ ? વાહનમાં માન્ય ઈંધણ વપરાય છે કે કેમ ? વાહનમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે કે કેમ ? તેમજ આવા વાહનો ચલાવવા માટે ચાલક પાસે લાયસન્સ છે કે કેમ ? તેની દેખરેખ માત્ર પોલીસ, આરટીઓએ રાખવાની નથી પણ શાળાના સંચાલકો શિક્ષકો ઉપરાંત વાલીગણે પણ હવે જાગૃત થવાની જરૂર છે.
રીક્ષા, વાન, ઈકો કે અન્ય વાહનોમાં શાળાઓમાં અપડાઉન કરતા બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે. અમુક વાહનો ગેસથી ચલાવવામાં આવતા હોય નજીવા અકસ્માતમાં પણ વાહન સળગી જાય તો બાળકોની સલામતી જોખમાઈ આથી કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા સ્કૂલોએ યાતાયાત નિયંત્રિત કરવાની જરૂરિયાત ઊભી થવા પામી છે.
શાળાએ બાળકોને લાવવા લઈ જવાનું કામ કરતાં વાહનોના ચાલકો સંખ્યા ઉપરાંત વાહનો ચલાવવાની ઝડપને પણ લક્ષમાં લેતા નથી અને બેફામ ઝડપે વાહનો ચલાવે છે. વળાંકમાં પણ વાહનો ધીમા પાડતા નથી આવી ફરિયાદો હોવા છતાં જાગૃતતાના અભાવે આવી પ્રવૃત્તિ અટકી ન હોય અકસ્માત માટે તંત્ર, સ્કૂલ સંચાલકો, વાલીગણ, પોલીસ તંત્ર વગેરેએ આ અંગે જાગૃત થવાની જરૂર છે.
