Western Times News

Gujarati News

સિંધી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓને મામલે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન અપાયું

Screenshot

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) છત્તીસગઢ રાજ્યમાં સિંધી સમાજના આરાધ્યદેવ વરુણાવતાર ભગવાન શ્રી ઝુલેલાલજી તથા સિંધી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ અંગે દોષી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી દેવગઢબારિયા પ્રાંત કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગત દિવસોમાં છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ નામના વ્યક્તિ દ્વારા જાહેરમાં સિંધી સમાજના આરાધ્યદેવ વરુણાવતાર ભગવાન શ્રી ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અત્યંત નિંદનીય, વાંધાજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડનારી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટના માત્ર સિંધી સમાજની ધાર્મિક આસ્થાઓનું અપમાન નથી, પરંતુ તે દેશના સાંપ્રદાયિક સૌહાર્દ, એકતા અને બંધારણની ભાવના પર ગંભીર પ્રહાર છે.

દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતો સિંધી સમાજ આ ઘટનાથી અત્યંત વ્યથિત અને ક્ષુબ્ધ બન્યો છે. સમગ્ર ભારતવર્ષ તેમજ વિદેશોમાં વસતાં સિંધી સમાજના લોકોએ આ નિવેદનની તીવ્ર નિંદા કરી છે. અને દોષી વિરુદ્ધ તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. સિંધી પીપલોદ લાડ લુહાણા સિંધી પંચાયત સમસ્ત સમાજના લોકો વતી સિંધી સમાજ તમારું ધ્યાન આ ગંભીર વિષય તરફ દોરી નીચે મુજબની માંગણી કરી રહ્યો છે.

ઉક્ત વ્યક્તિ અમિત બઘેલ વિરુદ્ધ તાત્કાલિક અસરથી આઇટી એક્ટ, ધાર્મિક લાગણીઓ દુભવવા બદલ અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા બદલ કડક કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા સખત ચેતવણી અને દિશા નિર્દેશો જારી કરવામાં આવે.

ભારતના બંધારણમાં અપાયેલા ધાર્મિક સ્વતંત્રતા અને સન્માનના અધિકારનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. સિંધી સમાજની નમ્ર પ્રાર્થના છે કે દેશના માનનીય રાષ્ટ્રપતિ તરીકે આપ આ ગંભીર વિષય પર તત્કાળ સંજ્ઞાન લઈને સંબંધિત અધિકારીઓને દોષી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવે. સિંધી સમાજના વડીલો દ્વારા કહેવામાં આવ્યું છે કે સિંધી સમાજ સદાય દેશની અખંડિતતા, એકતા અને ભાઈચારા માટે સમર્પિત રહ્યો છે. અને આગળ પણ રહેશે પરંતુ આરાધ્યદેવતા અને સમાજનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરી શકશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.