આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતાના દર્શન કરશે PM મોદી દેવમોગરા ધામ ખાતે
સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે.
પીએમ મોદી દેવ મોગરા ધામની મુલાકાત લેશે -આ વર્ષે આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે
નર્મદા, સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરશે. દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા બિરાજમાન છે.
નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો કણી-કંસરી અહીં યોજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાને ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાનશ્રી પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે.
સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે.
સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે.
