Western Times News

Gujarati News

માતાએ બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો

રાજકોટ, રાજકોટ નવાગામ (આણંદપર) ગામમાં એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાે હતો. કાળજુ કંપાવનારી આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના અધિકારીઓ અને બી-ડિવીઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.

પરિણીતાએ કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી.મળતી માહિતી અનુસાર, નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટી શેરી નં.૬માં રહેતી ૨૮ વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ તેની બે પુત્રી ૮ વર્ષીય પ્રિયાંશી અને ૫ વર્ષીય હર્ષિતાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાે હતો.

મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં અસ્મિતાબેને આ પગલું ભરી લીધું હતું. રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં આ ઘટનાની જાણ થઈ હતી. તેણે દરવાજો તોડીને અંદર જઈ ત્રણેયના મૃતદેહો નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ બી-ડિવીઝન પોલીસ ઉપરાંત ઝોન-૧ના ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસના અંતે પોલીસે અસ્મિતાબેને બંને પુત્રીઓની ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ આપઘાત કરી લીધાનું તારણ કાઢ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, ઘરમાં અસ્મિતાબેન તેની બંને પુત્રીઓ તેના પતિ ઉપરાંત સસરા સહિતનો પરિવાર રહે છે.

પતિ અને સસરા રિક્ષા અને છકડો રિક્ષા ચલાવે છે. ઘટના બની ત્યારે બંને ઘરે હાજર ન હતા. સ્થળ પરથી હજૂ સુધી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. આ સ્થિતિમાં આ બનાવ પાછળ ખરેખર કયું કારણ જવાબદાર છે તે વિશે કોઈ માહિતી મળી નથી.

છતાં અસ્મિતાબેનના પતિએ પૂછપરછમાં તેની પત્નીને સંતાનમાં પુત્ર જોઈતો હતો. પરંતુ તેની પ્રાપ્તિ નહીં થતાં ડિપ્રેશનમાં રહેતાં હોવાનું કહ્યું છે. કદાચ આ કારણથી પગલું ભર્યાેનું પતિનું કહેવું છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે હવે તપાસ કરાશે.બીજું કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. અસ્મિતાબેનના પિયર પક્ષના સભ્યોની પણ પોલીસ પૂછપરછ કરશે.

મોડી રાત્રે પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યાં બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડવા તજવીજ કરી હતી. ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેનો જે અભિપ્રાય આવે તેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.