સુરતમાં નાણાકીય લેતીદેતીમાં ગોળી મારી હત્યા કરનારને આજીવન કેદ
સુરત, ૧૦ વર્ષ પહેલા સુરત જિલ્લાના કામરેજમાં નાણાકીય લેતીદેતીમાં ગોળી મારી એકની હત્યા અને બીજાની હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.
કામરેજમાં રહેતા ધીરેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુરોહી તથા તેમના પિતા જસવંતસિંહ રાજપુરોહિત ૧૦-૬-૨૦૧૫ના રોજ સાંજના સુમારે તાપી બ્રીજ બાદ આવતી હાંડી હોટલ ખાતે ગયા હતા.
જ્યાં પહેલાથી પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ભંવરલાલ સિંઘવી હાજર હતાં તેમણે જસવંતસિંહને જણાવ્યું હતું કે આરોપી ભગવતી ઉર્ફે ભગુ હસમુખભાઈ શાહ (રહે.૨૭, રણછોડનગર, નાના વરાછા, સુરત.મુળ રહે. મોકુંડા, તા.રાયપુર, જી.ભીલવાડા, રાજસ્થાન) વડોદરાથી હમણા આવે છે, હું પણ હમણા વડોદરાથી આવ્યો છું. ત્યાર બાદમાં પંદર વીસ મિનીટમાં આરોપ ભગવતી ઉર્ફે ભગુ શાહ હાંડી હોટલ ઉપર આવ્યો હતો. અને પૈસાની લેતીદેતીના હિસાબની વાતો શરૂ કરી હતી.
દરમિયાન આરોપ ભગવતી ઉર્ફે ભગુ ઉશ્કેરાયો હતો. અને પોતાની પાસે રહેલી રીવોલ્વર કાઢી જસવંતસિંહ સામે ટાંકી દીધી હતી.દરમિયાન પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ભગવતી ઉર્ફે ભગુએ ફાયરિંગ કરતાં પવનેસ ઉર્ફે પીન્ટુભાઇ ઘવાયા હતા, જ્યારે બીજું ફાયરિંગ કરતાં તે ગોળી જસવંતસિંહને વાગી હતી.
ફાયરિંગથી બચવા ધીરેન્દ્રસિંહ ત્યાંથી ભાગ્યો હતો. બંને ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં જસવંતસિંહને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એપીપી બી.એન ચાવડાએ દલીલ કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી ભગવતી ઉર્ફે ભગુને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.SS1MS
