153 કરોડના ખર્ચે બગોદરા, ફેદરા, ધંધુકા રોડ સહિતના મુખ્ય માર્ગો પર મરામત કાર્ય હાથ ધરાયું
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી પૂરજોશમાં
અમદાવાદ, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ નજીક રાજ્ય ધોરીમાર્ગ પરના ક્ષતિગ્રસ્ત ભાગોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડામર પેચવર્ક દ્વારા સફળતાપૂર્વક રિપેર કરવામાં આવ્યા છે. વિભાગની આ કામગીરી ત્વરિત અને ગુણવત્તાયુક્ત સમારકામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અમદાવાદ જિલ્લામાં ૧૫૩ કરોડના ખર્ચે બગોદરા, ફેદરા ધંધુકા રોડ ૮૨/૩૦ થી ૧૧૭/૫૦ કિલોમીટર ( ફેદરા થી તગડી સુધી) પર ચાર માર્ગીયકરણની કામગીરી આખરી તબક્કામાં પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ કર્યાબાદ અમદાવાદ થી બોટાદ તથા ભાવનગર જિલ્લા તરફ મુસાફરી કરતા વાહનચાલકોની સુગમતામાં વધારો થશે તેમજ મુસાફરીના સમય અને ઈંધણનો પણ બચાવ થશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરીને બાકી રહેલી તમામ મરામત કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, જેથી પ્રજાજનોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળી રહે.
