શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘટ્યો તો હવે ગામડાઓમાં ત્રાસ વધ્યોઃ પોલીસને રજૂઆત
ઉચેડિયા ગામે રખડતા ઢોરોનો ત્રાસ પોલીસને લેખિતમાં રજુઆત કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે રખડતા ઢોરોને લઈને ખેડૂતો અને ગ્રામજનોને હાલાકિ ભોગવવી પડતી હોઈ ઉચેડિયા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસને લેખિતમાં રજુઆત કરીને રખડતા પશુઓનો ત્રાસ દુર થાય તે માટે યોગ્ય કરવા માંગ કરી હતી.
ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું કે ઉચેડિયા ગામના વિસ્તારમાં રખડતા ઢોરને લઈને લોકોને તકલીફ પડે છે. રજુઆતમાં જણાવાયા મુજબ રાણીપુરા ગામના ડાહ્યાભાઈ વસાવાના પાલતુ ઢોર અન્ય ખેડૂતોના ખેતરોમાં ઘુસીને પાકને નુકશાન કરે છે.
વળી ઉચેડિયા ગામના રાયજીભાઈ પટેલે પોલીસને લેખિતમાં જણાવાયા મુજબ રાણીપુરાના પશુપાલકના ઢોર તેમના ખેતરોમાં ઘુસી જઈને ખેતરોમાં ઉગાડેલ શાકભાજી શેરડી જેવા પાકોને નુકશાન કરે છે અને આ બાબતે ઢોરોના માલિકને જણાવતા તે એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપે છે.એવો આક્ષેપ ઉચેડિયા ગામના આ ખેડૂતે તેમની રજુઆતમાં કર્યો હતો.
ઉચેડિયા ગ્રામ પંચાયત અને ગામના ખેડૂત દ્વારા ઝઘડિયા પોલીસને લેખિતમાં રજુઆત કરીને આ બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા નગરોના ચાર રસ્તા વિસ્તારમાં તેમજ અન્ય સ્થળોએ ધોરીમાર્ગ પર અડિંગો જમાવીને ઉભા રહેતા પશુઓના કારણે વાહનચાલકોને તકલીફ પડે છે.ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો અને પોલીસ પોતાના પશુઓને જાહેર માર્ગ પર રખડતા મુકતા પશુમાલિકો વિરુધ્ધ કાયદેસર પગલા ભરે તે પણ જરૂરી બન્યું છે.
