ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પદયાત્રા યોજાશે
(પ્રતિનિધિ) નડિયાદ, દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે.તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં સરદાર પટેલની પદ યાત્રાઓ યોજાઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લામાં પણ તેના દરેક વિધાનસભા વિસ્તારમાં આ સરદાર પટેલની પદયાત્રાઓ યોજાવાની છે.
આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે..સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.તેમના આ કાર્યને વિસારે પાડી દઈ કોંગ્રેસે સરદાર પટેલ સાહેબને અને તેમના વ્યક્તિત્વને વર્ષો સુધી અન્યાય કર્યો છે.જ્યારે આ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારથી રાષ્ટ્રનું સુકાન સાંભળ્યું છે ત્યારથી સરદાર પટેલને અને તેમના વિરાટ વ્યક્તિત્વને આદર મળે,સન્માન મળે તેવા સંનિષ્ઠ પ્રયત્નો થયા છે.
ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી નોંધપાત્ર પ્રદાન કર્યું છે..સરદાર સાહેબના ગુણો અને વ્યક્તિત્વનો નવી પેઢીને પણ પરિચય થાય તે ઉદ્દેશથી આ સરદાર પટેલ પડયાત્રાઓ અને સરદાર સભાઓ યોજાશે.જેમાં સહુને જોડાવવા આહવાન કરાયું છે.
તા.૧૬થી ૨૧નવેમ્બર,૨૦૨૫ દરમિયાન ખેડા જિલ્લાના છ એ વિધાનસભાઓમાં આ સરદાર પટેલ યાત્રાઓ અને સરદાર સભા યોજાવાની છે એમ સાંસદ દેવુસિંહ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું.
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ, કમલમમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સંજયસિંહ મહિડા નડિયાદના સીનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
